Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં વિવિધ ફેરફારો અને નવી નવી આકર્ષક સ્કીમો અંતર્ગત લોકોને મદદરૂપ થવાના પ્રયાસો થઇ રહ્યાં છે, જેમાં જેવી રીતે બેંકમાં લોકોની સુખાકારી માટે બચતની સ્કીમો હોય તેમ પોસ્ટ ઓફિસોમાં પણ આ પ્રકારની સ્કીમો ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસોની સ્કીમનો લાભ લેવાથી વ્યાજ સહિતના ફાયદાઓ વધુ રહેલા છે. પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારની સ્કીમ અંતર્ગત વ્યાજનો લાભ આપવામાં આવે છે. આ યોજનાને નાની બચત સ્કીમ પણ કહેવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવાથી પૈસા સુરક્ષિત રહે છે અને તેનું સારું વ્યાજ પણ મળે છે. તેમાંથી કેટલીક સ્કીમમાં સેક્શન 80c અંતર્ગત ઈન્કમ ટેક્સમાં પણ રાહત મળે છે.
હાલ પોસ્ટ ઓફિસમાં અંદાજે 9 પ્રકારની બચત યોજનાનો લાભ મળે છે. તેમાં સેવિંગ અકાઉન્ટ, રિકરિંગ ડિપોઝીટ અકાઉન્ટ, મંથલી ઇન્કમ સ્કીમ અકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા PPF અકાઉન્ટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સામેલ છે. આ તમામ બચત યોજનામાં પોસ્ટ ઓફિસ તરફથી 4થી લઈને 8.6% સુધીનું વ્યાજ મળે છે. જેમ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.60 ટકા વ્યાજ મળશે, જેમાં ઓછામાં ઓછું એક હજાર અને વધુમાં વધુ 15 રોકાણ કરી શકો છો. તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર 8.40 ટકા છે, જેમાં ઓછામાં ઓછું 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશો. આ સિવાય પણ પોસ્ટ ઓફિસમાં અનેક સ્કીમો છે જેનો લાભ લેવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.