Mysamachar.in-અમદાવાદઃ
રેલવેના ખાનગીકરણના વિરોધ વચ્ચે ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસને મુખ્યમંત્રી રૂપાણી અને રેલવે મંત્રી પીયુષ ગોયલ લીલીઝંડી આપી છે. ખાનગી હોવાથી ટ્રેનમાં સુવિધાની ભરમાર છે, તો સાથે ભાડું પણ તે પ્રમાણે જ છે. તેજસને દોડાવવા માટે અન્ય રેગ્યુલર ટ્રનના ટાઇમ ટેબલમાં પણ ફેરફાર થયો છે. તેજસ ટ્રેન મોડી પડવા પર મુસાફરોને રિફંડ આપવામાં આવશે, તો ટ્રેનમાં વીઆઇપી ક્વોટાથી લઇને એક્ઝિક્યુટિવ ચેરકાર સહિતની બેઠક વ્યવસ્થા છે. અલગ અલગ બર્થ પ્રમાણે તેનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ ઉપડી બપોરે 1.10એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે. વેકેશન અને તહેવારોની બિઝી સિઝનમાં ઓફ સિઝનની સરખામણીએ ટ્રેનનું ભાડું પણ વધુ રહેશે. જો કે, ટ્રેનમાં વીઆઈપી ક્વોટાથી માંડી કોઈપણ કન્સેશન અપાશે નહીં. એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂ.2400, ચેરકારનું ભાડું રૂ.1300થી શરૂ થશે. 5 વર્ષથી મોટા બાળકની પણ આખી ટિકિટ થશે. એક્ઝિક્યુટિવ ચેરકારમાં દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન છે. IRCTCના અધિકારીના જણાવ્યા અનુસાર ‘તેજસ’ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે 25 લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.1 લાખનો વીમો છે.