My samachar.in-જામનગર
આજે શ્રાવણ સુદ સાતમ ગમતીલા નગર જામનગરનો 486મો સ્થાપના દિન હોય, સવારના સમયે જામનગરના મેયર સહિતના મહાનુભાવોએ ખાંભીપૂજન કર્યું હતું અને શહેરમાં આવેલી જુદી જુદી પ્રતિમાઓને ફુલહાર કર્યા હતાં.
આજે સવારે જામનગર મહાનગરપાલિકાના ઉપક્રમે દર વર્ષ માફક શહેરના દરબારગઢ વિસ્તારમાં પરંપરાગત ખાંભીપૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, કમિશનર ડી.એન.મોદી, શહેર બીજેપી પ્રમુખ બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને નગરસેવક સુભાષ જોષી તથા નગરસેવક મેરામણ ભાટુ વગેરે હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત જામનગર રાજપૂત સમાજ દ્વારા પણ ખાંભીપૂજન કરવામાં આવેલું. આ તકે પૂર્વ મંત્રી હકુભા જાડેજા, નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત રાજપૂત અગ્રણી પ્રવિણસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતાં. આ ઉપરાંત કોર્પોરેશન તથા રાજપૂત સમાજ દ્વારા તળાવની પાળે બાપુના બાવલા સહિતના સ્થળોએ આવેલી મહાનુભાવોની જુદીજુદી પ્રતિમાઓને ફુલહાર કરવામાં આવ્યા હતાં અને નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાપના દિન નિમિતે રાત્રે 09-30 કલાકે ટાઉનહોલ ખાતે ‘નગર અમારૂં ભારે ગમતીલું ગામ છે ‘ એ થીમ સાથે કાવ્ય, સંગીત અને હાસ્યનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં જાણીતા કલાકારો કલા પીરસશે.