Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એ કેટેગરીમાં સમાવેશ કરાયા બાદ સરકારે વધુ એક નોટિફિકેશન બહાર પાડી અને શહેરને સંલગ્ન નજીકની ચાર ગ્રામ પંચાયતોનો કેટલોક વિસ્તાર શહેરમાં સમાવિષ્ટ કરવા જાહેર કરાયું છે.
ખંભાળિયા શહેર નજીકના વિસ્તારોમાં કેટલાક ઔદ્યોગિક એકમો તેમજ વ્યવસાયિક ક્ષેત્રો સાથે વસ્તી અને વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વર્ષ 2013 માં જામનગરથી અલગ બનેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે મુખ્ય મથક તરીકે ખંભાળિયા શહેરને જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમામ જિલ્લાકક્ષાની વડી કચેરીઓ આવેલી છે. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી શહેરના નગરજનોની માંગણી રહી હતી કે સી-વર્ગની ખંભાળિયા નગરપાલિકાનો દરજ્જો એ- વર્ગનો કરી અને શહેરની બગલમાં આવેલી ગ્રામ પંચાયતોનો જરૂરી વિસ્તાર પાલિકામાં સમાવેશ કરવામાં આવે. મહત્વની બાબતો એ છે કે ખંભાળિયા શહેરને અડીને આવેલી શક્તિનગર, રામનગર, ધરમપુર અને હર્ષદપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા દ્વારા કેટલીક જરૂરી પાયાની સુવિધાઓ પણ આપવામાં આવે છે અને આ જ વિસ્તાર જાણે શહેરમાં હોય તેમ જગ્યાના ભાવ તેમજ અન્ય બાબતો પ્રવર્તમાન બની રહી હતી.
નગરજનોની માંગણીને ગ્રાહ્ય રાખી અને થોડા સમય પૂર્વે સ્થાનિક હોદ્દેદારો, નગરપાલિકાના સત્તાવાહકો તેમજ ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયત શક્તિનગર, રામનગર, ધરમપુર અને હર્ષદપુરના સરપંચ વિગેરે સાથે થયેલી મીટીંગો તેમજ આ અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંબંધિત તંત્રને રજૂઆતો કરાતા નગરપાલિકાને અ-વર્ગમાં સમાવિષ્ટ કરાયા કરાઈ હતી. આ પછી ઉપરોક્ત ચારેય ગ્રામ પંચાયતના ચોક્કસ સર્વે નંબર સાથેના વિસ્તારો ખંભાળિયા નગરપાલિકામાં ભળે તે માટેની રજૂઆતોના અંતે આજરોજ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા વિધિવત રીતે નોટિફિકેશન બહાર પાડીને ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયતોના ચોક્કસ સર્વે નંબરના વિસ્તારોને ખંભાળિયા નગરપાલિકામાં ભેળવવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.
આ વિસ્તારો શહેરમાં સમાવિષ્ટ થયા બાદ આશરે સાડા ત્રણ ચોરસ કિલોમીટરનો ખંભાળિયા નગરપાલિકાનો વિસ્તાર વધીને 10 થી 12 ચોરસ કિલોમીટરનો થઈ જશે. નવા ભળેલા આ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અ વર્ગની બનેલી ખંભાળિયા નગરપાલિકાની ગ્રાન્ટ હવે રૂપિયા 4 કરોડના બદલે અંદાજિત રૂપિયા 12 કરોડ સુધી પહોંચી જશે.
આ નિર્ણયથી આગામી દિવસોમાં હવે નગરપાલિકા માટે વોર્ડ વિસ્તરણમાં નવા સીમાંકન સાથે નવા વોર્ડનું નિર્માણ થશે. અર્બન ડેવલપમેન્ટના કારણે ગ્રામજનોને રોડ, રસ્તા સહિતની આવશ્યક સેવાઓ પ્રાપ્ય બનશે સાથે સાથે નગરપાલિકાના મહેકમમાં પણ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થવાની આશરે છ માસ જેટલો સમય બાકી છે. ત્યારે નગરપાલિકાની આગામી ચૂંટણી પણ હવે ઉત્તેજનાસભર અને વધુ રસાકસીભરી બનશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.