Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલારનું ખંભાળિયા વિવિધ કારણોસર લગભગ દરેક સમયનાં તબક્કાઓમાં હંમેશા ચર્ચામાં રહ્યું છે. નવાનગર જામનગરની સ્થાપના પૂર્વ, સૈકાઓ પહેલાં કચ્છનાં રાજાઓએ અહીં રાજ્ય સ્થાપ્યું હતું અને પોતાનાં નામનાં ચારેય અક્ષરો વાંકા ધરાવતાં ખંભાળિયા નગરને રાજધાની બનાવેલી! પછી, જામનગર વસ્યું. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી કોતરી કાઢવામાં આવ્યો ત્યારે પણ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નગરીને બદલે આ નવાં જિલ્લાની રાજધાની ખંભાળિયા નગરી બની. અને આજે, 2022ની વિધાનસભા ચૂંટણી ટાણે પણ આ બેઠક પર કાંટે કી ટક્કર છે ! ઓછામાં ઓછાં બે બળિયાઓએ તો નામોશી ગળે લગાડવી જ પડશે ! કેમ કે, અહીં પણ જંગ ત્રિપાંખિયો છે.
એક તરફ શક્તિશાળી શાસકપક્ષના સ્થાનિક સેનાપતિ અહીં ઉમેદવાર છે. જેમને અતિ શક્તિશાળી ઔદ્યોગિક જૂથનો ટેકો હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ આ બેઠક પર વિપક્ષનાં ઉમેદવાર બાહુબલિ છે. સામા પવને પણ તેઓ વિજયી બનવાની ક્ષમતાઓ પૂરવાર કરી ચૂક્યા છે અને આજે આ બેઠક તેમનાં ખિસ્સામાં છે. ત્રીજી બાજુ અન્ય વિપક્ષે પોતાનાં CM મટિરિયલને અહીં હોડમાં મૂક્યા છે ! જિતે કોઈપણ, બે મહારથીઓએ ઘોર પરાજય ગળે લગાડવો પડે ! મતદારો કોને ખભે બેસાડશે ?! એ પ્રશ્નનો જવાબ હાલ દ્વારકાધીશ સિવાય કોને ખબર હોય ?! આઠમીએ સૌને ખબર પડી જશે કે, મતદારોએ કોને કોને કોઠીમાં મોઢું સંતાડવા મજબૂર કરી દીધાં ?!
ત્રણ તાકાતની આ ટકકર આગામી સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનું એપી સેન્ટર બનશે, એવો જનસાધારણનો મત છે, અને રાજકીય નિરીક્ષકોનો પણ !! કારણ કે, આ બેઠક પર પરાજ્ય ત્રણમાંથી કોઈને પણ પોસાય એમ જ નથી ! આ બેઠક પર આહિર મતોમાં પણ જબરી ફાઈટ થશે અને મુસ્લિમ મતો પણ મહત્વનાં પૂરવાર થશે ! આ સ્થિતિમાં સરેરાશ મતદારો કેવી રીતે પાનાં ઉતરશે ?! તેનાં પર જો અને તો નો આધાર છે. આઠમી ડિસેમ્બર આ નગરી માટે કઠિન હશે, એટલું અત્યારથી નક્કી. એકસાથે બે અપસેટ સહન કરવાની શક્તિ સૌ સંબંધિતોએ હાથવગી રાખવી પડશે !