mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જિલ્લામાં આવેલ રિલાયન્સ રીફાઈનરી સામે તાજેતરમાં જ કાનાલુસ ગામના સરપંચ સહિતના ગ્રામજનો એ જામનગર ખાતે દોડી આવી ને નિવાસી અધિક કલેકટર ને કંપની સામે બે મુદાઓ પર રજૂઆત કરી યોગ્ય થવા માંગ કરી હતી,જેમાં એક મુદ્દો પ્રદુષણનો જયારે બીજો મુદ્દો ખોડીયાર માતાજીના મંદિર ના દ્વાર ખોલવા માટેનો હતો,
જે બાદ આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા નજીક આવેલ પહેલા એસ્સાર અને હવે નયારા એનર્જી લીમીટેડ કંપની સામે વિવિધ મુદાઓને લઈને જાણે વિરોધ નો વંટોળ ઉભો થયો હોય તેમ કંપની નજીક આવેલ દેવળીયા ગામે ખેડૂત સંઘર્ષ સમિતિ અને આસપાસના ગામોના ખેડૂતો દ્વારા કંપનીના પ્રદુષણ સહિતના વિવિધ મુદાઓને લઈને આજે “પ્રદુષણ સામે પ્રદર્શન” નામથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો..જે આગેવાનો આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેવોનો કંપની સામે કેટલાય આક્ષેપો કર્યા છે..
જેમાં જણાવાયું છે કે પહેલા ની એસ્સાર અને હાલની નાયરા કંપની દ્વારા હવા પાણી અને અવાજ નું પ્રદુષણ ફેલાવવામા આવી રહ્યું છે,ઉપરાંત કેમિકલયુક્ત પાણી બોરિંગ કરીને તેને જમીનમાં ઉતારવામાં આવતા આસપાસના ગામોના પાણીના તળ ખરાબ થઇ જવા પામ્યા છે,અને આ મામલે કંપની અને લગત તંત્ર ને અનેક રજુઆતો કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી,જયારે દેવળીયા ગામમા ૫૦ વિધા જેટલી જમીન ધરાવતા એક ખેડૂત એવું કહે છે કે પાણીના તળ ખરાબ થઇ જવાને પાણી પીવાલાયક ના રહેતા આ પાણી પશુઓ પણ પીતા નથી,વધુમાં એવો આક્ષેપ પણ થયો છે કે દેવળીયા ગામના ૧૦૦ થી વધુ યુવકો બેરોજગાર થઈને બેઠા છે,તો આવા યુવકોને પણ રોજગારી ને લઈને પણ કંપનીએ લક્ષ્ય મા લેવું જોઈએ..
ઉપરાંત એક આગેવાન એ તો ત્યાં સુધી કહ્યું કે આસપાસના અમુક ગામોના પાણીનું લેબોરેટરી ટેસ્ટીંગ કરાવવામાં આવતા એવા પણ રીપોર્ટ આવ્યા છે કે કેટલાય ગામોનું પાણી પીવાલાયક રહ્યું નથી અને આજે વિરોધ પ્રદર્શન સમયે તે રીપોર્ટ નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,આમ આ મુદ્દાઓ ઉપરાંત દતક ગામોના લોકોને આરોગ્ય,શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ,ખેડૂતોને ઉભા પાકને થતા નુકશાન સામે વળતર,કંપની આસપાસના ગામોના બેરોજગાર યુવાનોને રોજગારી સહિતના મુદાઓ ને લઈને કંપની અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આસપાસના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે..
આ મામલે નયારા એનર્જી કંપનીના પ્રતિનિધિ સાથે વાતચીત કરી કંપનીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ માયસમાચાર દ્વારા કરવામાં આવ્યો હતો પણ તેવોએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી..