Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલી ધરમપુર ગ્રામ પંચાયત કચેરીમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે લાંચ માંગવામાં આવતી હોવા અંગેની ફરિયાદ એ.સી.બી. સમક્ષ કરાયા બાદ એસીબીએ ઈ-ગ્રામ કેન્દ્રમાં છટકુ ગોઠવીને એક કર્મચારીને રજીસ્ટ્રેશન માટે રૂપિયા 70 ની લાંચ લેતા ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે એસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયત કચેરીમાં ઈ-ગ્રામ ખાતે ટેકાના ભાવે પોતાની ઉપજ વેચવા માટે આવતા ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આપવા માટે ફી પેટે ખેડૂતો પાસેથી રૂ. 50 થી રૂ. 300 સુધીની લાંચ માંગવામાં આવતી હોવા અંગેની ફરિયાદ એસીબીને મળતા આ અંગેની ખરાઈ કરવા અહીં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ દરમિયાન એક આસામી દ્વારા પોતાની મગફળી ટેકાના ભાવે યાર્ડમાં વેચવા માટે જરૂરી કાગળો સાથે રજીસ્ટ્રેશન કરાવવા ધરમપુરના ઈ-ગ્રામ કેન્દ્રમાં જતાં અહીં તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ (ટી.એલ.ઈ.) તરીકે ફરજ બજાવતા કિશોર અમૃતપુરી ગોસાઈ નામના કર્મચારીએ પંચની હાજરીમાં રૂપિયા 70 ની લાંચની માંગણી કરી હતી. બાદમાં આ રકમ સ્વીકારતા એસીબી દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યવાહી રાજકોટ એન્ટી કરપ્સન બ્યુરો એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પી.આઇ. એન.આર. ગોહેલ તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.