Mysamachar.in:ગાંધીનગર
સમગ્ર રાજ્યમાં બધી જ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ, એવી માંગણી સાથેની જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં દાખલ છે. સરકારનાં પરિપત્રનો અમલ ન કરનારી, શાળાઓ ઘણી છે. આ અરજીની વધુ સુનાવણી આજે શુક્રવારે રાખવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું જોઈએ એ મુદ્દે કાલે ગુરુવારે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અદાલતે કહ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની મંજૂરીઓ આપતી વખતે સરકાર શું શરતો મૂકે છે ? તે સરકારે જાહેર કરવું જોઈએ. જાહેર હિતની અરજીમાં અરજદારે જણાવ્યું છે કે, શાળાઓને મંજૂરી આપતી વખતે ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત હોવા અંગેની સૂચનાઓ આપવામાં આવે છે.
2018 માં સરકારે આ અંગે પરિપત્ર પણ જાહેર કરેલો છે. આમ છતાં, મોટાભાગની CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા શીખવવામાં આવતી નથી ! અને, સરકાર અથવા સ્થાનિક તંત્રો આ મુદ્દે શાળાઓને ફરજ પણ પાડતાં નથી. અરજદારે જાહેર હિતની અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, સરકાર દ્વારા પરિપત્રનો સો ટકા અમલ કરાવવામાં આવતો ન હોય, સરકારે પરિપત્રનાં બદલે આ માટે કાયદો બનાવવો જોઈએ. અદાલતનાં ન્યાયમૂર્તિ પણ આવો જ મત ધરાવે છે. આજે ફરી આ અરજીની સુનાવણી છે. ગુજરાતી ફરજિયાત બનાવવાનો મુદ્દો આગામી સમયમાં કેન્દ્રીય વિદ્યાલયો અને CBSE શાળાઓ માટે માથાનો દુઃખાવો બની રહેશે, એવું સમજાઈ રહ્યું છે.