Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની સમૃદ્ધિ સૈકાઓથી નોંધપાત્ર રહી છે અને 1960માં મુંબઈ રાજ્યથી અલગ થયા બાદ, ગુજરાતે પાછલાં 64 વર્ષમાં ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રમાં સાધેલો વિકાસ અદભુત રહ્યો છે. કમાણી કરતાં લોકોની આવક સતત વધી રહી હોય, સ્વાભાવિક રીતે જ રાજ્યમાં આવકવેરો ભરનારાઓની સંખ્યા અને ભરવામાં આવતા આવકવેરાની રકમ પણ મોટીને મોટી થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષથી, દેશમાં સૌથી વધુ આવકવેરો ભરતાં ટોપ પાંચ રાજ્યમાં ગુજરાતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ગુજરાતે વર્ષ 2019-20માં સરકારને રૂ. 49,517 કરોડ આવકવેરાના રૂપમાં આપ્યા. વર્ષ 2023-24 સુધીમાં આ આંકડો 88 ટકા મોટો બની ગયો. આ વર્ષમાં ગુજરાતીઓએ રૂ. 93,300 કરોડ કરતાં વધુની રકમ આવકવેરા તરીકે સરકારમાં જમા કરાવી. ગુજરાતમાં જે લોકો વ્યક્તિગત રીતે આવકવેરો ભરી રહ્યા છે, તેમાં મહિલાઓનું પ્રમાણ આશરે 14 ટકા જેટલું છે.
દેશના ડાયરેક્ટ ટેક્સ કલેકશનમાં ગુજરાતનો હિસ્સો આશરે પાંચ ટકા જેટલો છે. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે, ગુજરાત ટોપ પાંચ રાજ્યમાં છે. 2023-24 માં દેશમાં કુલ 8.6 કરોડ લોકોએ વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું. ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો હિસ્સો, કુલ ટેક્સ આવકમાં 56.8 ટકા છે. ગુજરાતમાં માથાંદીઠ ટેક્સ નું પ્રમાણ રાષ્ટ્રીય એવરેજ કરતાં ઓછું અને માથાંદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. પાછલાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતીઓએ કુલ રૂ. 3,46,000 કરોડ આવકવેરા તરીકે સરકારને આપ્યા છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતીઓએ ચૂકવેલા આવકવેરાની રકમ સતત મોટી થતી રહી છે.