Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં લવ, ધોખા, સેક્સ અને મર્ડરની ઘટનાઓનો પાર નથી. અવારનવાર એવું જોવા અને સાંભળવા મળે છે કે, આડા સંબંધોમાં ઘણાં પાત્રો ઉભા વેતરાઈ જતાં હોય છે. હવે તો યુવાઓ અને આધેડ પુરુષો માફક યુવતિઓ અને મહિલાઓ પણ પ્રેમ અથવા સેક્સ કે નાણાં ખાતર ગંભીર ગુનાઓ કરતાં પણ અચકાટ અનુભવતી નથી. આ પ્રકારનો વધુ એક સનસનાટીપૂર્ણ ખેલ જામનગરના પાદરે કાલે રવિવારે સાંજે ખેલાઈ ગયો. એક આશાસ્પદ યુવાનને ફિલ્મની સ્ટોરી માફક અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવતાં ભારે ચકચાર મચી છે. જોકે, આ અકસ્માત પોલીસચોપડે મર્ડર તરીકે નોંધાયો છે.
સમગ્ર હાલારમાં સનસનાટી સર્જનાર આ ખતરનાક ખેલમાં મૃતકની પત્ની ખુદ પણ પાપની ભાગીદાર છે, તેણીએ પોતાના પ્રેમી સાથે મળી, ખોફનાક કાવતરૂં રચી, પોતાના પતિની હત્યા, પોતાના જ પ્રેમીના હાથે કરાવી નાંખી- આ મતલબની ફરિયાદ મૃતક યુવાનના પિતાએ પોલીસમાં દાખલ કરાવી છે. જેને કારણે કાલાવડ સહિત સમગ્ર જામનગર પંથકમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
આ અકસ્માત અને મર્ડરની પોલીસમાં દાખલ થયેલી વિગતો આ મુજબ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામથકે ધોરાજી રોડ પર, કૃષ્ણનગર શેરી નંબર એકમાં બહુચર કૃપા નામના મકાનમાં રહેતા અને સમગ્ર કાલાવડ પંથકમાં મેતાજી તરીકે ઓળખાતા, 61 વર્ષના ધીરજલાલ મોહનભાઈ મારકણાએ જામનગરના પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં ગત્ મોડી રાત્રે અઢી વાગ્યે પોતાના પુત્રના મોત અંગે પોતાની જ પુત્રવધૂ અને તેણીના પ્રેમી વિરુદ્ધ ગુનાહિત કાવતરૂં અને હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે.
ખેતીકામ અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં ફરિયાદી ધીરજલાલ મારકણાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, ગઈકાલે રવિવારે સાંજે કાલાવડ-જામનગર રોડ પર વીજરખી નજીક આશરે પોણા પાંચ વાગ્યાની આસપાસ તેના પુત્રની એક અકસ્માતમાં હત્યા નિપજાવવામાં આવી છે. આ બનાવ વીજરખી ડેમ પાસે મોગલ માતાજીના મંદિર નજીક બન્યો હતો.
ફરિયાદીએ પોલીસમાં જણાવ્યું છે કે, આ અકસ્માતમાં માર્યા ગયેલા ફરિયાદીના પુત્ર રવિ મારકણાની પત્ની રિંકલ અગાઉ તેના ઘરની સામે રહેતાં અક્ષય છગનભાઈ ડાંગરિયા સાથે પ્રેમસંબંધ ધરાવતી હોય અને રિંકલના આ પ્રેમસંબંધને કારણે પતિ રવિ અને પત્ની રિંકલ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. આ કારણથી આરોપીઓ અક્ષય અને રિંકલએ ફરિયાદીના દીકરા, રિંકલના પતિ, રવિને મારી નાંખવા કાવતરૂં ઘડયું હતું.
તે દરમિયાન ગઈકાલે રવિવારે સાંજે રિંકલનો પતિ રવિ પોતાનું બુલેટ મોટરસાયકલ નંબર GJ-27-DJ-9310 લઈ જામનગર-કાલાવડ રોડ પર કાલાવડથી પોતાના ઘરે જામનગર તરફ આવી રહ્યો હતો ત્યારે, આરોપી અક્ષયે પોતાની કંપાસ જિપ નંબર GJ-20-AQ-8262 વડે રવિના બુલેટને પાછળથી ઠોકર લગાવી ફગાવી દીધું. આ અકસ્માતમાં 30 વર્ષના રવિ ધીરજલાલ મારકણાનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. આજે સોમવારે સવારે આ મૃતદેહને જીજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.