Mysamachar.in:જામનગર
કડકડતી ઠંડી વચ્ચે જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કાલાવડ પોલીસ ઠંડીમાં આરામ ફરમાવતી હોય તેમ ચડી બનિયાન ધારી કે અન્ય કોઈ ગેંગ એક બાદ એક કામ ઉતારી રહી છે, અને મોટી રકમની ચોરીઓ અને ચોરીના પ્રયાસો થઇ રહ્યા છે, છતાં પણ સ્થાનિક પોલીસના પેટનું પાણી હલતું નથી…જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે તે પ્રમાણે જામનગર જિલ્લાના કાલાવડ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચડ્ડી બનિયાનધારી સહિતની ગેંગનો તરખાટ ખુબ વધ્યો છે, અને એક બાદ એક મિલોમાં આ ગેંગ ચોરી કરી રહી છે,
છેલ્લા પંદરેક દિવસમાં કેટલાક જીનીંગ,સ્પ્રિનીંગના કારખાના સહિતના સ્થળોએ ચોરી અને ચોરી કરવાનો પ્રયાસની ઘટનાઓથી મિલમાલિકોમાં રોષ ફાટી નીકળ્યો છે, તો તસ્કરીની કેટલીક ઘટનાઓ જેમાં તસ્કરો સ્પષ્ટ બતાઈ રહ્યા છે તે સીસીટીવીમાં દ્રશ્યો પણ કેદ થયા છે, જીનીંગ ઉદ્યોગ-સ્પીનીંગ મીલો તેમજ ઓઈલ મીલરો રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલ રજૂઆત કહે છે કે જામનગર જીલ્લાના કાલાવડ શહેરની ફરતે શહેરની બહાર મેઈન રોડ ઉપર આઠ કિલોમીટરના વિસ્તારમાં જુદા જુદા જીનીંગ મીલો, સ્પીનીંગ મીલો તેમજ ઓઈલ મીલો આવેલ છે. આ તમામ એકમોની આસપાસ કોઈ વસ્તી રહેતી નથી.
જેમાં તા.14-01-2023 ની વહેલી સવારે 3.00 વાગ્યે કાલાવડ-જામનગર રોડ ઉપર આવેલ શ્રીજી કોર્ટેક્ષ તથા આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નિજાનંદ ઓઈલ મીલ આવેલ છે ત્યાં ધાડપાડુ આવેલ જેમાં આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ માંથી તોડફોડ કરીને રૂા.1,20,000/– જેવી રકમની ચોરી કરી ગયેલ છે. જયારે તા.19-01-2023 ના રોજ કાલાવડ–રણુંજા રોડ ઉપર આવેલ જીનીંગ/સ્પીનીંગ એકમો જેવા કે કૈલાશ કોટન ઈન્ડસ્ટ્રીઝ, પુજા કોટન ઈન્ડસ્ટ્રીઝ, શીતલ યુનીવર્સલ ઈન્ડ. આવેલ છે. જે એકમોમાં તા.19-01-2023 ની વહેલી સવારે 4.00 વાગ્યાની આસપાસ લુટારૂઓ ત્રાટકે છે અને જેમાં કૈલાશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં થી રૂા.1,95,000/- તથા પુજા કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂા.35,000/- ની ચોરી કરી જાય છે. અને શીતળ ઈન્ડસ્ટ્રીઝ માં તોડફોડ કરી ગયેલ છે.
જયારે તા.28-01-2023 ની રાત્રે કાલાવડ–રણુંજા રોડ ઉપર આવેલ કૃષ્ણમ એગ્રી ઈન્ડસ્ટ્રીઝ અને જે.આર.ડી.પાઈપ ઈન્ડસ્ટ્રીઝમાં લુટના ઈરાદે તોડફોડ કરેલ છે. તો તા.29-01-2023 ની રાત્રે કાલાવડ-જામનગર રોડ ઉપર આવેલ આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં દિવસ-15 ની અંદર બીજી વખત આવીને તોડફોડ કરી જાય છે તેમજ તેની બાજુમાં આવેલ મધુરમ કોટેક્ષમાં આવે છે જયાં લુટના ઈરાદે આવે છે પણ ત્યાં જાગી ચાલ્યા જાય છે તેમજ આઈ.ટી.આઈ.કોલેજમાં તોડફોડ કરેલ છે.
ઉપરાંત કેટલીક સરકારી કચેરીઓ જેવી કે નાની વાવડી રોડ ઉપર આવેલ પી.જી.વી.સી.એલ.ની ઓફીસમાં તોડફોડ, ખેતીવાડી બીજનીગમ નામની પેઢીમાં તોડફોડ કરીને રોકડ તેમજ અન્ય માલ–સામાનની લુંટ કરી ગયેલ છે.કાલાવડ રણુંજા રોડ પર આવેલઅક્ષર જીનીંગમાં તોડફોડ કરીને તિજોરી જ તસ્કરો લઇ ગયા છે.આમ તા.14-01-2023 થી તા.30-01-2023,15 દિવસમાં કાલાવડ શહેરની આસપાસ આવેલ 8 કિલોમીટરના એરિયામાં આવેલ 14 યુનીટોમાં લુટફાટ કરેલ છે. જેના દરેક ચોરીના સી.સી.ટી.વી.ફુટેજ સામેલ કરવામાં આવ્યા છે.આમ એકધારી તસ્કરોની રંજાડથી વેપારીઓમાં પોલીસની કામગીરીને લઈને ભારોભાર નારાજગી જોવા મળે છે ત્યારે નિંદ્રાધીન પોલીસ જાગે અને તસ્કરોને પોલીસ દાદાનો ડર બતાવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે.