Mysamachar.in-અમદાવાદ:
ઘણાં લોકો થાઈલેન્ડની ટ્રીપ ગોઠવતાં હોય છે, તે પૈકી ઘણાં લોકો આ ટ્રીપનો ખર્ચ ગેરકાયદેસર રીતોથી એડજસ્ટ કરી લેતાં હોય છે, આ પ્રકારના તત્વોમાં મહિલાઓ પણ હોય છે- આ પ્રકારની વિગતો અમદાવાદ એરપોર્ટથી સત્તાવાળાઓએ જાહેર કરી છે અને તેમાં જણાવાયું છે કે, એક યુવતી સહિત કુલ સાત વ્યક્તિઓને આ પ્રકારે ગાંજાની હેરાફેરીમાં ઝડપી લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ એરપોર્ટ પર સોનાના દાણચોરોના નામો જાહેર કરવામાં આવતાં નથી, ગાંજાના આ મામલામાં તો યુવતી સહિતના બધાં જ આરોપીઓના ફોટા પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને મુખ્ય આરોપી ફરાર છે, એમ જાહેર કરવામાં આવ્યું છે.
સત્તાવાળાઓએ જાહેર કર્યું કે, ગુજરાતના ઘણાં યુવકો અને યુવતિઓને ફરવાના બહાને વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવે છે અને તેમને કેરિયર બનાવી કરોડો રૂપિયાના ગાંજાની હેરાફેરી કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પોલીસે મનિષા ખરાડી નામની અમદાવાદની એક યુવતી સહિત 7 આરોપીઓને આ મામલે ઝડપી લીધાં. મુખ્ય આરોપી અશરફખાન ફરાર છે અને એક આરોપીનું નામ મોહમ્મદ ફરહાન શેખ છે, જે જામનગરના કાલાવડનો છે, 30 વર્ષનો છે. આમ નશીલા ગાંજા અને થાઈલેન્ડનું એક કનેક્શન હાલારમાં પણ જાહેર થયું.
આ આરોપીઓ પાસેથી સાત કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે. પોલીસ કહે છે, મનિષા મુખ્ય આરોપી અશરફની પ્રેમિકા છે અને તેના માટે કામ કરે છે. આ રીતે ફરવા જનારાઓને આવવા-જવાનું ભાડું તથા વિદેશમાં હોટેલની વ્યવસ્થાઓ કરી આપવામાં આવતી. વિદેશ કોને મોકલવા, તે મૂરતિયાઓની વ્યવસ્થાઓ કાલાવડનો શેખ કરી આપતો હતો. આ પ્રકારના મામલાઓમાં એરપોર્ટ સ્ટાફની સંડોવણી હોય છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલુ થઈ છે.