Mysamachar.in:જામનગર
ભારતીય ટપાલ વિભાગ સાથે છેતરપિંડીના બનાવો અવારનવાર બનતાં રહે છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પોસ્ટ માસ્તર સંડોવાયેલા હોય છે ! આવો વધુ એક બનાવ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. હાલમાં ધોરાજી રોડ, કાલાવડ ખાતે રહેતો શખ્સ ભૂતકાળમાં કાલાવડ તાલુકાના લલોઈ ખાતે પોસ્ટ માસ્તર હતો ત્યારે તેણે કુંડાળું આચરેલું, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે.જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં પોસ્ટ વિભાગના નિશાંત મહેતાએ હાલ કાલાવડ રહેતાં જય વલ્લભભાઈ ફળદુ નામનાં શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ શખ્સે પોસ્ટ વિભાગમાં ગ્રાહકોના નાણાં જમા કરાવવાને બદલે પોતાનાં ખિસ્સામાં રાખી દીધાં હતાં, એવું ચારેક મહિના પહેલા ઇન્સ્પેકશન દરમિયાન જાહેર થયેલું.આ શખ્સ ત્યારે કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર હતો. બાદમાં આ કુંડાળા બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. અને, હવે આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થવા પામી છે. આ શખ્સે ગ્રાહકો પાસેથી રૂ. 2,52,000 પોતાનાં કાર્યકાળ દરમિયાન એકત્ર કર્યા પછી, આ નાણાં પોસ્ટ વિભાગમાં જમા ન કરાવી, ભારત સરકાર સાથે છેતરપિંડી કરી અને સરકારી નાણાંની કાયમી ઉચાપત કરી, આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા, એવું આ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.