Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં, પેકેજ્ડ પાણી અને મિનરલ વોટરનો બિઝનેસ અબજો રૂપિયાનો છે. કેન્દ્ર સરકાર આ પાણીની કવોલિટી અંગે સતત ચિંતિત રહે છે, કેમ કે દેશભરમાં આ બિઝનેસમાં ઘણી અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેને કારણે નાગરિકોના આરોગ્ય સામે જોખમો ઉભા થઈ રહ્યા છે. આ પાણીની કવોલિટીમાં હવે કોઈ બાંધછોડ ચાલી શકશે નહીં.
કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, હવેથી આ પ્રકારના ‘પાણી’નો સમાવેશ હાઈ રિસ્ક ફૂડ આઈટમ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અતિ જોખમી ફૂડની યાદીમાં આ પાણીનો સમાવેશ થતાં હવે, આ પ્રકારના પેકેજ્ડ અને મિનરલ વોટરના ઉત્પાદકોએ આ પાણીની કવોલિટી અંગે વધુ સાવધ રહેવું પડશે. આ કેટેગરીમાં નિયમો આકરા હોય છે, દંડ પણ આકરો હોય છે. અત્યાર સુધી જે કુંડાળાઓ ચાલ્યા, તે ચાલ્યા. હવે સરકારનો વિભાગ કડક બન્યો. કવોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ હવે ચાલશે નહીં. નબળા પાણીના ઉત્પાદકોના પ્લાન્ટને હવે તાળા પણ લગાવી શકાશે.
આ સાથે જ આ પાણીના ઉત્પાદકોને એક ફાયદો પણ થયો. અત્યાર સુધી આ ઉત્પાદકો માટે BIS સર્ટિફિકેટ ફરજિયાત હતું. આ ઉપરાંત FSSAI પ્રમાણપત્ર પણ ફરજિયાત હતું. હવે BIS સર્ટિફિકેટ લેવું નહીં પડે. જો કે, તેની સાથેસાથે એ જોગવાઈ કરવામાં આવી છે કે, હવે આ ઉત્પાદકોએ FSSAI માન્યતા પ્રાપ્ત થર્ડ પાર્ટી ફૂડ સેફટી એજન્સી પાસે કવોલિટી સંબંધિત વાર્ષિક ઓડિટ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારનો આ પગલાંઓ પાછળનો આશય ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાના ધોરણોને સુધારવાનો છે. જેથી દરેક ગ્રાહકને સુરક્ષિત ઉત્પાદન ઉપલબ્ધ કરાવી શકાય. નિષ્ણાંતો માને છે કે, આ નવા નિયમોથી કાયદાઓના અનુપાલનની પ્રક્રિયાઓ વ્યવસ્થિત થઈ શકશે. કેમ કે, પાણી વપરાશકારના આરોગ્ય સાથે સીધી સંકળાયેલી બાબત છે, જેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ચલાવી શકાય નહીં. જો કે, દેશભરમાં સ્થાનિક સ્તરે આ કડક નિયંત્રણોનો અમલ કેટલો અને કેવો થાય છે, તેના પર સઘળો આધાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં પાણીના આ બિઝનેસને તંત્ર તરફથી ખાસ કોઈ ‘કનડગત’ હોય તેવું દેખાઈ રહ્યું નથી અને પાણીની કવોલિટી અંગે કયાંય, કોઈ ખાસ ચિંતાઓ નથી. કાયદાના અમલમાં છટકબારીઓ પણ એટલી જ છે- જેનો ભોગ અંતે વપરાશકારો બની રહ્યા છે.