Mysamachar.in:ગુજરાત
મોબાઈલ, ટેબ્લેટ કે કોમ્પ્યુટર અથવા લેપટોપની સ્ક્રીન – આશિર્વાદરૂપ પૂરવાર થઈ શકે છે અને શાપ પણ સાબિત થઈ શકે છે. તેનો આધાર છે, આપણે આ ગેજેટ્સનો ઉપયોગ અથવા દુરૂપયોગ કેવી રીતે અને કેટલાં પ્રમાણમાં કરીએ છીએ. ઘણાં લોકો આ બધી બાબતોને કારણે સમૃદ્ધ બને છે, ઘણાં કિસ્સાઓમાં લોકો ફસાઈ જાય છે અને મોતને પણ ભેટે છે ! આ ઉપરાંત આ બધાં સાધનો અને તેનો ઉપયોગ કરવાની માણસની આદતો સારાં તથા માઠાં બંને પ્રકારના પરિણામો નીપજાવી રહી છે ત્યારે, એક સર્વેનાં આંકડા જાણવાલાયક છે.
હાલનો સમય સોશિયલ મીડિયાથી પ્રભાવિત છે. નાનાં બાળકો અને યુવાનો તથા મહિલાઓથી માંડીને વૃદ્ધો સુધીના મોટાભાગના લોકો આ વ્યસનમાં સપડાઈ ચૂક્યા છે ! આ મીડિયા ઉપયોગી પણ બહુ છે. માહિતીઓનો ઢગલો છે. આસપાસની તથા સમગ્ર દુનિયા સાથે આ મીડિયાનાં માધ્યમથી તાલ મિલાવી શકાય છે. વિવિધ પ્રકારના બિઝનેસ કરી શકાય છે. જ્ઞાનસમૃદ્ધ પણ બની શકાય છે. અને ઘણાંની જિંદગી આ જ માધ્યમોને કારણે પતનની ખીણમાં પણ ગબડે છે, મોતને પણ ભેટે છે !
હાલમાં આ માધ્યમનો ઉપયોગ માહિતી મેળવવા ઓછો અને મનોરંજન મેળવવા વધુ થતો જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ તથા યુ ટ્યુબ શોર્ટસ અતિ લોકપ્રિય બની રહ્યા છે. લોકોને કલાકો સુધી રીલ્સ જોવાની ટેવ પડી ગઈ છે. સર્વે કહે છે : 63.5 ટકા લોકો દિવસમાં ઓછામાં ઓછી 120 મિનિટ રીલ્સ જૂએ છે. આ વ્યસનને કારણે લોકો સ્વ નિયંત્રણ ગુમાવી રહ્યા છે. એડિકટ બની રહ્યા છે. રીલ્સમાં અનંત સ્ક્રોલિંગનું ફીચર અને ચિક્કાર ડેટા માણસને પાગલ બનાવી શકે છે. લોકો લાઈક્સ અને કોમેન્ટસ મેળવવા તલપાપડ બની રહ્યા છે. મર્યાદાઓ પણ તોડી રહ્યા છે. અન્ય લોકોની સ્વિકૃતિ પ્રાપ્ત કરવાની માણસની ઝંખના, માણસને અંદરથી પરેશાન કરી રહી છે. લોકોનો કિંમતી અને વિપુલ સમય વેડફાઈ રહ્યો છે ! વિદ્યાર્થીઓ સહિતનાં લોકો પોતાના ધ્યેયથી ભટકી પણ રહ્યા છે. રીલ્સની અસરો માઠી અને ગંભીર બની રહી છે.
તાજેતરમાં 947 લોકો પર એક સર્વે થયો. સર્વે કહે છે : 63.5 ટકા લોકો 2 કલાકથી વધુ સમય, 27.4 લોકો 1-2 કલાક સુધી રોજ રીલ્સ જૂએ છે. 9.1 ટકા લોકો 1 કલાકથી ઓછાં સમય માટે રીલ્સ જૂએ છે. 88.3 ટકા લોકો રીલ્સ જોઈ આનંદ અનુભવે છે. 82.2 ટકા લોકો આક્રમકતા ફીલ કરે છે. 23.9 ટકા લોકો દુઃખ અથવા નિરાશા અનુભવે છે. 77.7 ટકા લોકો ચંચળતા અનુભવે છે. 61.9 ટકા લોકો રીલ્સ જોવાને કારણે અન્ય જરૂરી કામો પર ધ્યાન આપી શકતાં નથી. 59.4 ટકા લોકો અનુભવે છે કે, રીલ્સ તેમને તેમનાં ધ્યેયથી દૂર લઈ જાય છે. 77.2 ટકા લોકો રીલ્સને કારણે પરિવારજનો સાથે સંઘર્ષ અનુભવે છે. 69 ટકા લોકોને રીલ્સ બનાવવાની ઈચ્છા થાય છે. 77.2 ટકા લોકો રીલ્સ બનાવી અન્ય લોકો માફક ફેમસ થવા ઈચ્છે છે. 68.5 ટકા લોકો કહે છે, રીલ્સને કારણે આંખ – માથું અને શરીરનાં દુઃખાવાની ફરિયાદ રહે છે.
રીલ્સની અવળી અસરોથી બચવા મિત્રો, વડીલો, પરિવારજનો સાથે વધુ સમય વિતાવો. અન્ય શોખમાં ધ્યાન આપો. નવા શોખ કેળવો. ફેક સમાચાર પર ઓછું અથવા સાવ ધ્યાન ન આપો. વિવિધ ઉપાયો દ્વારા આ વ્યસનથી બચી શકાય છે.






