Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાનો જોડીયા પંથક ડ્રગ્સ મામલે કુખ્યાત છે. આ પંથકમાં હાલમાં ચરસના ઉપરાઉપરી 2 કેસ નોંધાતા ફરી એક વખત આ પંથક ચર્ચાઓમાં છે. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ પંથકમાંથી એક શખ્સને 498 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધાંની વિગતો જાહેર થયા બાદ, SOG એ પણ આ વિસ્તારમાં બાવળની ઝાડીમાં ઓપરેશન કર્યું છે અને 3 શખ્સોને રૂ. 9 લાખના ચરસના જથ્થા સાથે પકડી પાડ્યા છે.
જામનગર SOG ના ફીરોઝ ખફી, રમેશ ચાવડા, હર્ષદ ડોરીયા અને તોસીફ તાયાણીની બાતમીના આધારે આ ડ્રગ્સ સપ્લાયરો ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. SOG PI બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એલ.એમ.ઝેર તથા તેમની ટીમે આ શખ્સોને ઝડપી લીધાં. આ શખ્સો બંદર રોડ પરની બાવળની ઝાડીમાંથી ઝડપાયા છે. આ શખ્સોના નામો ફરીદ બસીર ખોડ, અઝીઝ મામદ ગાધ અને અસગર ગની પલેજા છે. ત્રણેય શખ્સો જોડીયાના છે. પોલીસે 5.859 કિલોગ્રામ ચરસનો જથ્થો (રૂ. 8,78,850) અને રૂ. 30,000ની કુલ કિંમતના 3 મોબાઈલ મળી કુલ રૂ. 9,08,850 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ શખ્સો દરિયામાં કરચલા પકડવા ગયા હતાં અને ત્યારે ચરસનો જથ્થો લાવ્યા હતાં. પોલીસે આ શખ્સો વિરુદ્ધ NDPS એક્ટની કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.