Mysamachar.in: જામનગર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને કારણે એક હકીકત એ બહાર આવી ગઈ કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં અધિકારીઓ અને પદાધિકારીઓ લાલિયાવાડીઓ ચલાવી રહ્યા છે, ક્યાંય કોઈ નિયમો અનુસાર કામો થતાં નથી અને આમ છતાં રાજ્ય સરકાર વર્ષોથી મૂંગી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માત્ર અકસ્માત જ નથી, સૌની બેદરકારીઓ પણ છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓને કામ કરતાં હોઈએ એવો દેખાડો કરો એમ કહ્યું હોય એ રીતે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓના અધિકારીઓ દોડધામના નાટકો કરી રહ્યા છે, ફાયર NOC વિનાની અને BU પરમિશન વગરની ઈમારતો અને મિલકતો સીલ થઈ રહી છે. અત્રે સૌથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સવાલ એ છે કે, મહાનગરપાલિકાઓએ આ તમામ મિલકતો અત્યાર સુધી સીલ શા માટે ન કરી ?! શા માટે સૌ નિષ્ક્રિય રહ્યા?!

જામનગર શહેરમાં હાલ જામનગર મહાનગરપાલિકા BU પરમિશન વગરની મિલકતો સીલ કરી રહી હોય, Mysamachar.in દ્વારા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ અધિકારી ઉર્મિલ દેસાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો: જામનગર મહાનગરપાલિકાની યાદી અનુસાર શહેરમાં BU પરમિશન વગરની મિલકતો કેટલી ? અચરજની વાત એ છે કે, જામનગર મહાનગરપાલિકા પાસે આવી કોઈ યાદી જ નથી !!

શહેરમાં જે મિલકતો પાસે BU પરમિશન નથી, તેવી મિલકતોના બાંધકામ યોગ્ય છે કે કેમ, અને આ મિલકતોમાં રહેતાં લોકો વેરાઓ ભરે છે કે કેમ અને આ બધી મિલકતો સલામત છે કે કેમ– વગેરે પ્રશ્નો અનુતર છે. આવા જ પ્રશ્નો BU પરમિશન વગરની જે મિલકતોમાં ધંધાકીય એકમો ચાલે છે, તેના માટે પણ પૂછી શકાય.

જામનગર મહાનગરપાલિકાએ BU પરમિશન વગરની મિલકતોની યાદી શા માટે નથી બનાવી, આ યાદી બનાવવામાં મહાનગરપાલિકાને તકલીફ શું છે ? અને, અધિકારીઓ આ પ્રકારના કામ જરૂરી અને નિયમો અનુસાર ફરજિયાત હોવા છતાં કરતાં નથી, એ મામલે પદાધિકારીઓ કાંઈ જાણે છે ? હાલમાં શહેરમાં BU પરમિશન વગરની મિલકતો, યાદી નથી તો, શેના આધારે સીલ થઈ રહી છે? એ પ્રશ્નનો ઉત્તર મહાનગરપાલિકા કેવી રીતે આપી શકે ?!