Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે, શહેરમાં કચરો એકત્ર કરવા માટેની નવી વ્યવસ્થાઓ અમલમાં લાવતાં અગાઉ શહેરમાં કચરો ઉત્પન્ન કરનાર, રહેણાંક સહિતના બધાં જ સ્થળો, એકમોનો સર્વે કરવામાં આવશે, જેમાં લારીઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાએ કહ્યું છે કે, અત્યાર સુધી શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં કચરાનું કલેક્શન કરવામાં આવતું હતું. હવે નવી વ્યવસ્થાઓમાં કચરાનું કલેક્શન તમામ વિસ્તારો અને મિલકતોમાંથી કરવામાં આવશે. આ નવી વ્યવસ્થામાં કચરો એકત્ર કરનાર તમામ વાહનો અને કામગીરીઓનું મોનિટરીંગ કરવામાં આવશે અને એ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે.
આ ઉપરાંત મહાનગરપાલિકાએ કહ્યું છે કે, નવી વ્યવસ્થાઓ આધુનિક ટેકનોલોજિ આધારિત હશે. મિની ટિપર વાન દ્વારા કચરો એકત્ર થશે. આ કામગીરીઓ શરૂ કરતાં અગાઉ એક એક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ,લારી, ગલ્લા, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડીઓ, પાર્ટી પ્લોટ અને તમામ ધાર્મિક સ્થળોનો સર્વે થશે. આ માટે સર્વે એજન્સીના કર્મચારીઓ નગરજનોની મુલાકાત લેશે. આ બધી જગ્યાઓના ફોટા લેશે. નગરજનોને મિલ્કત સંબંધિત સવાલો પણ પૂછવામાં આવશે. આ સ્ટાફને નગરજનો પૂરતો સહયોગ અથવા સહકાર આપે એવી અપીલ મહાનગરપાલિકાએ કરી છે. અત્રે નોંધનીય છે કે, ઉપરોકત યાદીમાં ઔદ્યોગિક એકમોના સમાવેશ અંગે કોઈ સ્પષ્ટતાઓ જણાતી નથી.