Mysamachar.in-જામનગર
કોઈ પણ શહેર કે રાજ્યમાં બ્રિજ બહુ મહત્ત્વનું બાંધકામ હોય છે, કેમ કે તે બ્રિજ જુદાં જુદાં વિસ્તારોને કાયમી રીતે જોડતો હોય છે અને ખાસ તો ચોમાસામાં પણ વાહનવ્યવહાર અને લોકોની અવરજવરનો એકમાત્ર વિકલ્પ કોઈ પણ બ્રિજ હોય છે. આ પ્રકારના તમામ બ્રિજ મજબૂત હોવા અનિવાર્ય હોય છે. નહીંતર ગમે ત્યારે દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે છે અને તૂટી પડવાની ઘટનામાં લાંબા સમય સુધી વાહનવ્યવહાર અને અવરજવર પણ બંધ થઈ જાય અને એવા સંજોગોમાં લાખો લોકોને હાલાકીઓ વેઠવી પડે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં દિવસ અગાઉ રાજ્યની વડી અદાલતે સરકારને નિર્દેશ આપ્યો હતો કે, રાજ્યમાં આવેલાં, નાનામોટાં તમામ સરકારી બ્રિજ અને 8 મહાનગરપાલિકાઓ હસ્તકના તમામ બ્રિજની મજબૂતી ચકાસવામાં આવે. અને, આ અંગે સતર્કતા દાખવવામાં આવે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા તરફ જવાના માર્ગ પર મહાનગરપાલિકા હસ્તકનો એક તોતિંગ બ્રિજ આવેલો છે. આ બ્રિજ ખૂબ જ જૂનો છે અને ભારે વાહનો સહિતના હજારો વાહનો આ બ્રિજ પરથી રાતદિવસ અવરજવર કરે છે અને દૈનિક ધોરણે હજારો રાહદારીઓ પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે. એમ કહેવામાં આવે છે કે, લાંબા સમયના ઘસારાને કારણે આ બ્રિજ ઝોક ખાઈ ગયો છે. તેની મજબૂતી ઘટી ગઈ છે. ગમે ત્યારે દુર્ઘટના પણ સર્જાઈ શકે. આ બ્રિજ નવો બનાવવાની માંગ પણ જૂની છે.
-સિટી ઈજનેર શું કહી રહ્યા છે?
હાઈકોર્ટના નિર્દેશના અનુસંધાને તથા સ્થાનિક સ્તરે ઉઠેલી માંગના અનુસંધાને, Mysamachar.in દ્વારા આ બ્રિજ અંગે મહાનગરપાલિકા શું કહેવા ઈચ્છે છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસમાં નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, બ્રિજની મજબૂતી ચકાસવા સંબંધે રાજ્ય સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને કોઈ જ લેખિત સૂચના કે સંદેશ પાઠવવામાં આવ્યો હોવાનું જાણમાં નથી.
આ ઉપરાંત મહાનગરપાલિકાના સિટી ઈજનેર ભાવેશ જાનીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકાએ તમામ બ્રિજની મજબૂતી ચકાસવાની પ્રક્રિયાઓ આરંભી છે. આ માટે આગામી સમયમાં કન્સલ્ટન્ટની સેવાઓ લેવામાં આવશે. કન્સલ્ટન્ટની નિમણૂંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ બ્રિજની મજબૂતી ચકાસણીઓ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ આગળ ઉપર વિચારણાઓ કરવામાં આવશે.