Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક ગત્ રોજ યોજવામાં આવી હતી, જેમાં શહેરની 3 નવી ટીપી સ્કીમના ઈરાદાને મંજૂરીઓ સહિતના મુદ્દા એજન્ડામાં આવરી લઈ આ બધાં જ મુદ્દાઓને મંજૂરીઓ આપવામાં આવી છે. આથી નવા વિસ્તારોમાં વિવિધ કામગીરીઓમાં વેગ આવશે.
જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની આ બેઠકમાં TP સ્કીમ નંબર 35,36 અને 38 માટેના ઈરાદા જાહેર કરતી દરખાસ્તોને મંજૂરીઓ આપી. આ સાથે જ નિયમોને આધીન રહીને અધિકારીઓ તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ આપવાની દરખાસ્તને મંજૂરીઓ આપવામાં આવી છે.
આ બેઠકમાં વિપક્ષ દ્વારા ટીપી સ્કીમ સંબંધે તથા લગ્ન નોંધણી કચેરીની કામગીરીઓ અંગે તીખી રજૂઆત થઈ. બેઠકમાં ગાર્ડન રિઝર્વ પ્લોટમાં ટ્રી પ્લાન્ટેશન દરખાસ્ત મંજૂર થઈ. સેટઅપમાં સુધારાની દરખાસ્તને બહાલી આપવામાં આવી. આ સાથે ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફટી અધિકારી અને ડેઝિગ્નેટેડ અધિકારીની નિમણુંક સંબંધિત દરખાસ્ત મંજૂર કરવામાં આવી.
આ ઉપરાંત બેઠકમાં ઈ-બસ અંગેની દરખાસ્ત મંજૂર થઈ, જેમાં તમામ સતાઓ કમિશનરને સોંપવામાં આવી છે. આ માટે બે કમિટિ બનશે. જનરલ બોર્ડમાં રજૂ થયેલી ટીપી સ્કીમના લાભો ધોરીવાવ આસપાસના વિસ્તારો તથા ઠેબા ચોકડી અને ખીજડીયા બાયપાસ વચ્ચેના વિસ્તારોને મળશે, જો કે આ અંગેની બહુ વિગતો કયારેય જાહેર થતી હોતી નથી.