Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાનો ‘કચરો’ કેટલી હદે ‘ગંધારો’ વિષય છે- એ બાબત એક એક નગરજનને હવે ખબર પડી ગઈ છે, કારણ કે વર્ષોથી આ સંબંધે વિવાદો અને ચર્ચાઓ ચાલી રહ્યા છે. હવે જામનગર મહાનગરપાલિકા વિરુદ્ધની કચરા સંબંધિત ફરિયાદ છેક પાટનગર ગાંધીનગર સુધી સત્તાવાર રીતે પહોંચી ગઈ હોય, આગામી સમયમાં મહાનગરપાલિકાએ ‘જવાબ’ આપવો પડશે અથવા તેના વિરુદ્ધ લેવાનારા પગલાંનો સામનો કરવો પડશે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર-રાજકોટ રોડ નજીક કચરાના જે પહાડો ખડકવામાં આવ્યા છે તે સંબંધે મહાનગરપાલિકા વિરુદ્ધ મોટો ઉહાપોહ છે અને આ મુદ્દે મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- બંને સંસ્થાઓ દબાણ મહેસૂસ કરી રહી છે. હવે, આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ‘આળસ’ છોડી રેકર્ડ પર સક્રિયતા દેખાડવા મજબૂર બનવું પડ્યું છે. અને, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રેકર્ડ પરની આ સક્રિયતા મહાનગરપાલિકાને ભારે પડશે, એમ જાણકારો માની રહ્યા છે.
આ ઉપરાંત આધારભૂત સૂત્ર એમ પણ જણાવે છે કે, જામનગરના કચરા પ્રકરણમાં પોલિટિકલ ટચ પણ છે. એટલે આગામી સમયમાં જો મહાનગરપાલિકાને કાયદાકીય પગલાંઓનો સામનો કરવો પડશે તો, સ્થાનિક રાજકારણે પણ આ ‘તાપ’ સહન કરવો પડશે, એમ લગભગ નક્કી જેવું જ છે. અથવા, આકરાં પગલાંઓથી બચવા ગાંધીનગર કનેક્શનનો સહારો માંગવો પડશે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની પ્રાદેશિક કચેરી શું કહી રહી છે ??..*
જામનગરનો કચરો વર્ષોથી ગંધારો હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી લાંબા સમયથી આ બાબતે પલાંઠી લગાવી બેઠી હતી. આખરે આ બોર્ડની પૂંછડી પર કોઈએ પગ મૂકતાં, કચેરી સળવળી છે. આમ તો કચેરીએ સળવળવું પડ્યું છે તેમ કહી શકાય.
આજે સવારે Mysamachar.in દ્વારા જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડા જી.બી.ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે વાતચીત દરમ્યાન સ્વીકાર કર્યો કે, ગત્ 21મી જૂલાઈએ અમોએ જામનગર મહાનગરપાલિકાની કચરા માટેની ડમ્પિંગ સાઈટની મુલાકાત લીધી હતી.
આ તકે Mysamachar.in દ્વારા અધિકારીને એમ પૂછવામાં આવ્યું કે, આમ તો તમે ત્યાં જતાં જ નથી, અચાનક કેમ જવું પડ્યું અને આ વિગતો અત્યાર સુધી કેમ જાહેર કરવામાં ન આવી. આ પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ થોથવાતા એમ કહ્યું કે, અમે આ ડમ્પિંગ સાઈટની રૂટીન મુલાકાત લેતાં હોઈએ છીએ. (હકીકત એ છે કે, આ કચેરી આ જગ્યાએ આવી કોઈ રૂટીન મુલાકાત લેતાં નથી, મુલાકાત લેતાં હોય તો જાહેર કરતાં નથી). આપની મુલાકાત બાદ શું થયું ? એ પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ કહ્યું: કચરાની આ ડમ્પિંગ સાઈટ સંબંધે મહાનગરપાલિકા વિરુદ્ધ પગલાંઓ લેવા સંબંધે કચેરીએ ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલ્યો છે. ગાંધીનગરથી જે સૂચનાઓ આવશે તે અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવશે. (હકીકતે તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ રિપોર્ટ અંગે પણ કશું કહેવા તૈયાર ન હતું પરંતુ Mysamachar.in દ્વારા આ બાબતે ઉંડાણથી અને જિદ સાથે જાણવાનો આગ્રહ રાખવામાં આવ્યો પછી જ અધિકારી આટલું બોલ્યા, તેઓ 10 દિવસ અગાઉની આ વાત હજુ છૂપાવવા ઈચ્છતા હતાં).
અત્યંત આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ મુલાકાત દરમ્યાન JMCના સંબંધિત અધિકારીને પણ હાજર રાખવામાં આવેલા અને તેમની હાજરીમાં આ મુલાકાત સંબંધે રોજકામ કરવામાં આવ્યું. જો કે આ હકીકત જાહેરમાં સ્વીકારવામા આવી નથી. આ ખાનગી માહિતીઓ છે.