Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ ડીજીટલ યુગમાં આધુનીક બની છે અને તેના માટે ગત્ 11મી સપ્ટેમ્બરે 2 આધુનિક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ બંને એપ્લિકેશન શહેરીજનોની સુવિધાઓમાં વધારો કરી રહી છે. કોર્પોરેશને અર્બન પ્લાનિંગ ગવર્નન્સ સાથે સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. જેના ભાગરૂપે આ બંને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી.
આ બંને એપ્લિકેશનના ઉપયોગ વડે શહેરીજનો અને કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ રિયલ ટાઈમ સેવાઓની અરજીઓ અને નિકાલ કરી શકે છે. જોઈ શકે છે અને ચકાસી પણ શકે છે. માટે જામનગરના દરેક શહેરીજનોએ આ એપ્લીકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી અને તેનો શક્ય તમામ ઉપયોગ ઘરે બેઠા જ કરી અને ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવવો જોઈએ
જેએમસી કનેક્ટ નામની જે એપ્લિકેશન નગરજનો માટે લોન્ચ કરવામાં આવી છે, તે અંગે આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ જણાવે છે કે આ એપની મદદથી ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સમાં નામ ટ્રાન્સફર, નવી આકારણી, ડેટા કરેકશન અને અપડેશન ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સ્પોટ બુકિંગ માટે ઓનલાઈન વ્યવસ્થાઓ (તમામ રમતો માટે), રણમલ તળાવ ખાતે એન્ટ્રી ફી, લાખોટા કોઠા મ્યૂઝિયમ, એમ્ફી થિયેટરનું ઓનલાઈન ટિકિટ બુકિંગ, રણમલ તળાવ ખાતેના જોગિંગ અને વોકિંગ પાસ ઓનલાઈન મેળવવાની સુવિધાઓ, રણજિતસાગર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ઓનલાઈન એન્ટ્રી ફી બુકિંગ, ટાઉનહોલ સહિતના અન્ય કોમ્યુનિટી હોલના ઓનલાઈન બુકિંગની સુવિધાઓ, RTI હેઠળ ઓનલાઈન અરજીઓ કરવાની અને જવાબો મેળવવાની સુવિધાઓ, ફરિયાદ રજિસ્ટ્રેશન અને તેના ટ્રેકિંગની સગવડ, શહેરની અંદર ઉપલબ્ધ સેવાઓની જાણકારીઓ અને ઓનલાઈન પેમેન્ટ, જન્મ અને મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, શોપ રજિસ્ટ્રેશન તથા વ્યવસાય વેરા રજિસ્ટ્રેશનની સુવિધાઓ આ એપ્લિકેશનના માધ્યમથી શહેરીજનો પ્રાપ્ત કરી શકે છે.
આ ઉપરાંત ઓફિસર્સ 311 એપ્લિકેશન અધિકારીઓ અને કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં ફરિયાદ નિવારણ મોડયુલ, ફીલ્ડ ઈન્સ્પેક્શન અને પ્રોજેક્ટ મોનિટરીંગ, જીપીએસ બેઝડ એટેન્ડન્સ સિસ્ટમ, એમ-ચલાન, ન્યુસન્સ ફી, દંડ અને પેનલ્ટી ઓનલાઈન વસૂલવાની સુવિધાઓ તથા ગાર્બેજ વલ્નેરેબલ પોઇન્ટ ઈન્સ્પેક્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સાથે જ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે, આ બંને એપ્લિકેશન માટે ખાસ પ્રકારનું ડેસ્ક બોર્ડ બનાવવામાં આવ્યું છે, જેના રિપોર્ટમાં તમામ કામગીરીઓના ડિટેઈલ રિપોર્ટ અને સમરી ફોર્મમાં ઉપલબ્ધ થઈ શકશે. જેએમસી કનેક્ટ એપ્લિકેશન એન્ડરોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. નગરજનો વધુ સારી સુવિધાઓ મેળવવા આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
-ગાય માટે દાન પણ ઘરે બેઠા….
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ગાયોના નિભાવ અને સારવાર માટે શહેરીજનો પાસેથી દાન સ્વીકારવાનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દાતાઓ ગાય દત્તક લઈ શકે છે, ગાયનું રક્ષણ કરી શકે છે, સંસ્કૃતિ અને વિરાસતને જાળવી શકીએ છીએ. નગરજનો આ માટેના QR કોડની મદદથી ઓનલાઈન દાન-ડોનેશન નોંધાવી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.