Mysamachar.in:જામનગર
આંગણવાડી અથવા બાલમંદિર પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. આમ બાળકના જીવનનો શરૂઆતી પાયો એટલે આંગણવાડી….
જામનગર શહેરમાં જામનગર મનપાના આઈસીડીએસ વિભાગ હેઠળ પોણા ચારસો જેટલી આંગણવાડીઓ આવેલ છે, જેમાં અગાઉના વર્ષોમાં મોટાભાગની આંગણવાડીઓ ભાડાના મકાનોમાં અયોગ્ય રીતે ચાલતી હતી, પણ તાત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે “આંગણવાડીઓ તો ભાડાના મકાનમાં ચાલવી જ ના જોઈએ તેવો સ્પષ્ટ અભિગમ” રાખતા થોડા વર્ષોના અંતરાલે જામનગર શહેરની 300 આંગણવાડીઓ જે ભાડાના મકાન છોડી પોતાના મકાનોમાં આવી ગઈ છે અને સારી રીતે ચાલે છે, જે તે સમયે સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટો પર્યાપ્ત હતી પણ હવે તે ગ્રાન્ટો ના મળતા જે આંગણવાડીઓ બાકી છે તેનું શું..?
તે સંદર્ભે હાલના જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બાળકોના ભવિષ્યની ચિંતા કરી અને ખાસ રસ દાખવ્યો હતો અને સરકારમાં અને લગત વિભાગોમાં જરૂરી પત્ર વ્યવહાર કર્યો હતો, જેને લઈને હાલે 61 જેટલી આંગણવાડીઓ જે ભાડાના મકાનમાં છે ચાલે છે તેમાંથી મોટાભાગની મનપાની માલિકીની હોય તેવી જગ્યામાં તમામ સગવડો સુવિધાઓથી સજ્જ હોય તેવી બનાવવા માટે સરકારે 6 કરોડથી વધુની ગ્રાન્ટ રીલીઝનો ઓર્ડર રીલીઝ કર્યાનું જાણવા મળે છે. જેને લઈને આગામી સમયમાં 53 જેટલી આંગણવાડીઓ સારા પાકા મકાનોમાં સુવિધા સાથે કાર્યરત થવાની દિશા તરફ આગળ વધશે.