Mysamachar.in-જામનગર:
તાજેતરમાં એટલે કે 30મી જાન્યુઆરીએ જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટેનું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2024-25 નું રિવાઈઝ્ડ એટલે કે સુધારેલું અંદાજપત્ર જાહેર કર્યું. જેમાં એમ જાહેર થયું કે, આગામી 1 એપ્રિલથી શરૂ થઈ રહેલાં નવા નાણાંકીય વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકા શહેરની જરૂરિયાત અને વિકાસ માટે કુલ રૂ. 1,493 કરોડનો અંદાજિત ખર્ચ કરવા ચાહે છે.
આ તકે અન્ય કેટલાંક આંકડા જોઇએ. ગત્ વર્ષે 2024ની 19મી ફેબ્રુઆરીએ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વર્તમાન નાણાંકીય વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ થયેલું. જેમાં કહેવાયું હતું કે, વર્ષ દરમિયાન મહાનગરપાલિકાને કુલ રૂ. 1,187.40 કરોડની કુલ આવક થશે અને વર્ષ દરમિયાન મહાનગરપાલિકા કુલ રૂ. 1,368.70 કરોડનો અંદાજિત ખર્ચ શહેરના વિકાસ માટે કરવા ચાહે છે. ત્યારબાદ, મહાનગરપાલિકાના રેકર્ડ પર આવ્યું કે, તા.29-01-2025ની સ્થિતિએ મહાનગરપાલિકાને કુલ અંદાજિત આવક 1,187.40 કરોડને બદલે કુલ રૂ. 675 કરોડની થઈ. ત્યારબાદ બીજે દિવસે તા.30-01-2025ના દિવસે મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 માટેની સુધારેલી અંદાજિત કુલ આવક રૂ. 1,095.20 કરોડ જાહેર કરી.
એ જ રીતે કુલ અંદાજિત ખર્ચના આંકડા : 19-02-2024ના દિને મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, વર્ષ 2024-25 દરમિયાન મહાનગરપાલિકા શહેરના વિકાસ માટે કુલ રૂ. 1,368.70 કરોડનો ખર્ચ કરવા ચાહે છે. ત્યારબાદ, તા.29-01-2025ના દિવસે મહાનગરપાલિકાના રેકર્ડ પર આવ્યું કે, આજની તારીખ સુધીમાં મહાનગરપાલિકાએ આ નાણાંકીય વર્ષ દરમિયાન કુલ રૂ. 725 કરોડનો ખર્ચ કર્યો. ત્યારબાદ બીજે દિવસે 30-01-2025ના દિવસે મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 માટેના કુલ સુધારેલા અંદાજિત ખર્ચનો આંકડો રૂ. 1,287 કરોડનો જાહેર કર્યો.આ આંકડાઓ અનુસાર, આ ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન જામનગર મહાનગરપાલિકા કુલ રૂ. 420.20 કરોડની આવક કરવા ચાહે છે અને આ બે મહિના દરમિયાન મહાનગરપાલિકા નગરજનો માટે કુલ રૂ. 562 કરોડનો ખર્ચ કરવા ચાહે છે.