Mysamachar.in-જૂનાગઢ:
સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ઘરેલુ ગેસની લાઈનો હજારો કિલોમીટરમાં પાથરવામાં આવી છે અને આ કામગીરીઓ આજની તારીખે પણ ચાલુ છે. પરંતુ આવી જગ્યાઓ પર યોગ્ય કાળજી લેવામાં ન આવતી હોય જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ અકસ્માતો સર્જાતા રહે છે. આ વિષય ગંભીર છે.
આવી વધુ એક દુર્ઘટના આજે વહેલી સવારે જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી મેઈન રોડ પર સર્જાતા અને તેમાં 3 વ્યક્તિનો ભોગ લેવાયાનું પણ બહાર આવતાં સનસનાટી સાથે અરેરાટી પણ મચી ગઈ છે. એમ પણ માનવામાં આવે છે કે, અન્ય 5 લોકો ઘવાયા હોય, દાઝી ગયા હોય, આ દુર્ઘટનાનો મૃતક આંક વધી શકે છે.

જૂનાગઢથી મળતો અહેવાલ જણાવે છે કે, આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એક JCB દ્વારા કોઈ ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન JCB એક ગેસ લાઇનને ટચ થયું. આ જ સમયે સ્પાર્ક થયો અને લાઇન તૂટી જતાં આગ ફાટી નીકળી. આ આગમાં નજીકનું એક ફાસ્ટફૂડ સેન્ટર તથા ઘણી બધી લારી કેબિન લપેટમાં આવી જતાં આગ મોટી બની ગયેલી અને ભારે અફડાતફડી સર્જાઈ ગઈ હતી. બાદમાં જો કે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ બૂઝાવવા કામગીરીઓ શરૂ કરી પરંતુ એ પહેલાં જ આ આગમાં તથા દોડધામમાં દાઝી ગયેલા અને ઘવાયેલા 8 લોકો પૈકી એક બાળા અને એક મહિલા સહિત 3 ના મોત થઈ ગયાનો અહેવાલ છે.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલાં 3 લોકોના નામો રૂપીબેન સોલંકી, ભક્તિ સોલંકી અને હરેશ રાબડીયા જાહેર થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ આગ અગાઉ હજુ ગઈકાલે જ જૂનાગઢના અન્ય એક વિસ્તારમાં એક ખાનગી કંપનીની ગેસ લાઇનમાં આગ લાગી હતી ત્યારે પણ બેદરકારીઓ છતી થઈ હતી !
