Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં જંત્રીનો દર સરકારે અચાનક બમણો કરી નાંખતા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. અને, આ મુદ્દે વિરોધ નોંધાવવા આજે રાજ્યભરના બિલ્ડર્સ અને મુખ્યમંત્રી વચ્ચે એક ઓનલાઇન બેઠક પણ રાખવામાં આવી છે. ગુજરાત સરકારે પાછલાં અગિયાર વર્ષ દરમિયાન જંત્રીના દરોની ક્યારેય સમીક્ષા ન કરી. દરોમાં કોઈ ફેરફાર પણ ન થયો. અને શનિવારે અચાનક સરકારે જાહેરાત કરી દીધી હતી કે, જંત્રીના દરો રાજ્યભરમાં બમણાં કરવામાં આવે છે ! રાજય સરકારની આ જાહેરાતને પગલે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રીતસર હડકંપ મચી ગયો છે. થોડાં દિવસો કે મહિના પહેલાં થયેલાં સોદાઓમાં શું થશે ? ઓનગોઈંગ પ્રોજેક્ટ પર તેની શું અસરો પડશે ? વગેરે કોઈ જ વિચારણા સરકાર સ્તરે કરવામાં આવી નથી – એવું બિલ્ડર લોબી કહે છે.
રિઅલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી સંસ્થા ક્રેડાઈ કહે છે : રાજ્ય સરકારે જંત્રીના દરોમાં જે વધારો જાહેર કર્યો છે તે અવૈજ્ઞાનિક છે. ખરેખર તો પાછલાં ત્રણ વર્ષ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મિલ્કતોના સોદાઓ કેવી રીતે થયા છે, તેનો અભ્યાસ કરી દરોમાં વધારો કરવો જોઈએ. આ જાહેરાતને કારણે કેટલાંક વિસ્તારોમાં તો જંત્રીના દરો મકાનોની વાસ્તવિક કિંમત કરતાં પણ વધુ થશે ! જંત્રીના દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે તે અંગે સરકારમાં રજૂઆત માટે આજે સોમવારે રાજ્યભરના રિઅલ એસ્ટેટ ક્ષેત્રનાં પ્રતિનિધિઓની એક ઓનલાઇન બેઠક મુખ્યમંત્રી સાથે યોજાશે.
કેટલાંક બિલ્ડર એવું ઇચ્છે છે કે, જંત્રીના દરોમાં જે કાંઈ ફેરફારો કરવામાં આવે તે ફેરફારો પહેલી મે થી અમલમાં આવે તેવી જાહેરાત કરવી જોઈએ. જામનગરનાં બિલ્ડર કહે છે, આટલી ઉતાવળે જંત્રીના દરોમાં ફેરફાર કરવાની જરૂર શું પડી ? અને, કોઈ જ સ્પષ્ટતા વિના આ જાહેરાત કરવામાં આવી હોય, થોડાં સમય અગાઉ જે સોદાઓ થયા છે, તેનાં પર આ જાહેરાતની શું અસરો થશે ? તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો નથી ! અત્રે નોંધનીય છે કે, જંત્રીના દરોના આધારે તથા FSI ખરીદીનાં 40 ટકા લેખે ડેવલોપર તથા બિલ્ડરોએ સ્થાનિક સત્તામંડળમાં પ્રોજેક્ટદીઠ નાણાં જમા કરાવવાના હોય છે.