Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે બિઝનેસ કરવો સરળ બની રહે તે દિશામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નીતિ પર આગળ વધી રહી છે. અને આ પ્રકારની સરળતાઓ લાવવા ગુજરાત સરકાર આગામી સમયમાં જનવિશ્વાસ નામનું એક બિલ પણ લાવી રહી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે. આ બિલથી વેપારીઓ અને ઉદ્યોગકારો ઘણી જફાઓથી બચી શકશે.
હાલમાં એવી વ્યવસ્થાઓ છે કે, વેપારી કે ઉદ્યોગકાર દ્વારા બિઝનેસમાં કોઈ નાનીસરખી ચૂક થઈ જાય તો પણ તેને ગુનો ગણી લેવામાં આવે છે અને નોટિસ તથા દંડ વગેરે કાર્યવાહીઓ થતી રહે છે અને આ સ્થિતિઓનો ઘણાં અધિકારીઓ ગેરલાભ પણ ઉઠાવતા હોય છે. જેને કારણે અધિકારીરાજ અને ભ્રષ્ટાચાર જેવા દૂષણોને પ્રોત્સાહન મળતું હોય છે.
હવે એમાં કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્યમાં પણ સુધારાઓ આવશે. વેપારીઓ અને ઉદ્યોગકારો ઘણાં પ્રકારની રાહતો અનુભવી શકશે. કેન્દ્ર સરકારમાં તો જન વિશ્વાસ એક્ટ અમલમાં છે જ, ગુજરાતમાં પણ જન વિશ્વાસ બિલ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવા એક જ કાયદાને કારણે ઘણાં નિયમોમાં ખાસ કરીને નાના ‘ગુના’ સંબંધિત નિયમોમાં ધંધાર્થીઓને રાહત મળી જશે.
હાલમાં દાખલા તરીકે, બોઈલર કે વીજ સંબંધિત કે પછી ઉદ્યોગની જમીન સંબંધિત નાની નાની બાબતોમાં ધંધાર્થીઓ પરેશાન થતાં હોય છે. આ બધી બબાલો જશે એમ સૂત્ર જણાવે છે. ઘણી વખત વેપાર ઉદ્યોગના સ્થળે આગ લાગવા જેવી બાબતોમાં પણ ફોજદારી ગુનાઓ દાખલ થતાં હોય છે, આ માટેના નિયમોમાં પણ રાહત આપવામાં આવશે.
ફૂડ સેફટી અને પર્યાવરણ જેવી બાબતોમાં જે ગુનાઓ બહુ ગંભીર ન હોય તેવી બાબતોને પણ નિયમમાં હળવાશથી લેવામાં આવશે. આ સાથે જ મહાનગરપાલિકા વિસ્તારોમાં જે GPMC એક્ટ લાગુ પડે છે તે એક્ટની કેટલીક જોગવાઈઓને પણ હળવી બનાવવામાં આવશે. એથી અધિકારીરાજ અને ભ્રષ્ટાચાર ઘટશે તથા વેપાર ઉદ્યોગ કરવા સરળ બનાવી શકાશે. આ સુધારાઓને કારણે ઘણાં અધિકારીઓની સતાઓ ઘટી જશે. ધંધાર્થીઓ મોકળાશ અનુભવશે. ધંધા રોજગારનો વિકાસ થશે.
હાલના ધંધાકીય વાતાવરણમાં અને ટેકનોલોજીના યુગમાં ઘણી જોગવાઈઓ નકામી બની ચૂકી છે, જેમાં ધંધાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. આ નવા જનવિશ્વાસ બિલને કારણે આવી ઘણી જૂની જોગવાઈઓ નાબૂદ થશે. આ સરળ કાયદાને કારણે કાનૂની જંગ તથા વિવાદો ઘટશે. ધંધાર્થીઓનો સમય તથા નાણાં બચશે. ધંધાકીય વાતાવરણ બિઝનેસ ફ્રેન્ડલી બનશે, વિવાદો ઘટતાં સરકારનો સમય તથા ખર્ચ બચશે, અધિકારીઓ અન્ય મહત્વપૂર્ણ કામોમાં ધ્યાન આપી શકશે. નવા ધંધા રોજગાર સામેની કાનૂની અડચણો ઘટી જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે તો જનવિશ્વાસ એક્ટ ઓગસ્ટ-2023થી અમલમાં મૂકી પણ દીધો છે. જેમાં ધંધાર્થીઓના નાના વાંકગુનાની સજાઓ કાઢી નાંખવામાં આવી છે અને ગંભીર ગુનાઓની સજાઓ વધુ કડક બનાવી દેવામાં આવી છે. ધંધાર્થીઓને સુધરવાની તક મળશે, ધંધાર્થીઓ વધુ જવાબદાર બનશે. સજાઓ કડક થતાં કાયદાની ધાક પણ વધશે. જેતે સમયે કેન્દ્ર સરકારે 19 મંત્રાલયોમાં ધંધાર્થીઓના આવા નાના 183 ગુનાઓ માફ કરવા 42 કાયદાઓ સુધાર્યા હતાં. આ જ તર્જ પર ગુજરાત સરકાર પણ નવો કાયદો બનાવવા હાલ હોમવર્ક કરી રહી છે. ગુજરાત વધુ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ બની શકશે.
ભારત સરકાર તો ધંધાર્થીઓ માટે હજુ સારૂં વાતાવરણ લાવવા જનવિશ્વાસ એક્ટ 2.0ની તૈયારીઓ કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ દિશામાં એક્ટિવ બની છે. ગુજરાતના આ નવા બિલથી સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ પણ વિશાળ થશે, ધંધાર્થીઓની મંજૂરીઓ મેળવવાની જફાઓ દૂર થશે, સરળ બનશે. નવા વેપાર ઉદ્યોગ માટેની મંજૂરીઓ ચોક્કસ ગણતરીના દિવસોમાં મળી જાય તે માટેની વ્યવસ્થાઓ પણ આ નવા કાયદામાં હશે. તાજેતરમાં ગુજરાત સરકારે જે ચિંતન શિબિર યોજી હતી તેમાં આ સુધારાઓની વાત Key Idea હતી. શાસનના સુધારાઓ સંબંધે આ શિબિરમાં ઘણી ચર્ચાઓ થયેલી.