Mysamachar.in:જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવોની હવે કોઈને નવાઈ નથી ! કેમ કે, અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ખાસ કરીને ઘાતક અકસ્માત પણ ચિંતાજનક પ્રમાણમાં થતાં રહે છે ! લોકમત એવો છે કે, કાલે રવિવારે સાંજે શહેરના ખંભાળિયા નાકા નજીક સર્જાયો એ પ્રકારના અકસ્માતો સર્જનારને કડકમાં કડક સજા થવી જોઈએ. અને, પીડિતોને ઝડપી તથા પૂર્ણ ન્યાય મળવો જોઈએ.
કાલે રવિવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ શહેરનાં ખંભાળિયા નાકાથી ઓશવાળ હોસ્પિટલ તરફ જતાં માર્ગ પર, શેઠ ભગવાનદાસ માર્ગનાં ખુણા પર દિપક કેમિસ્ટ એજન્સી નજીક એક કારચાલકે જીવલેણ અકસ્માત સર્જ્યો. જેમાં એક જિંદગી કાર હેઠળ કચડાઈને કમકમાટીભર્યા મોતમાં ફેરવાઈ ગઈ છે ! આ બનાવને પગલે રવિવારે સાંજે આ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અને લોકો કારચાલક પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતાં. અકસ્માત સર્જનાર આ કાર એક જાણીતાં તબીબ ચલાવતા હોવાનું જાહેર થયું છે. કારચાલક શહેરનાં ચર્મરોગ નિષ્ણાત પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્ય હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કાલે રવિવારે સાંજે, શહેરનાં કિસાનચોક વિસ્તારમાં રહેતાં અને કારખાનામાં મજૂરીકામ કરતાં 55 વર્ષનાં આધેડ નારણભાઈ જીવાભાઈ વારસાખિયા કારખાનેથી ઘર તરફ જતાં હતાં ત્યારે ખંભાળિયા નાકા નજીક ઉપરોક્ત સ્થળે એક ધસમસતી કારે નારણભાઈ નામનાં આ આધેડની સાયકલને અડફેટે લેતાં આ આધેડ ફૂટબોલની માફક ઉડી રોડ પર પટકાયા હતાં ! અને બાદમાં આ બેકાબૂ કાર નજીકનાં એક વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની ગતિ એટલી ભયાનક હતી કે આ કાર થાંભલા સાથે અથડાતાં કારનો આગળનો ભાગ ભૂક્કો બોલી ગયો હતો ! રવિવારની સાંજે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક અને લોકોની અવરજવર રહેતી હોય છે, આ સ્થિતિમાં પણ આ કાર આટલી તેજ ગતિએ ચાલતી હતી તેથી લોકોને અચરજ થઈ રહ્યું છે.
આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા ઈજાગ્રસ્ત આધેડને તાકીદની સારવાર માટે 108 મારફતે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલાં આ આધેડનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સાંજના સમયે ભારે ચહલપહલવાળા આ વિસ્તારમાં ઉપરોક્ત અકસ્માત સર્જાતાં સમગ્ર ખંભાળિયા નાકા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર GJ-10-CN-1386 RTO માં, ડો. કે.એમ.આચાર્યના પુત્ર મલય આચાર્યના નામે નોંધાયેલી હોવાનું અને અકસ્માત સમયે આ કાર ડો. કે.એમ.આચાર્ય ખુદ ચલાવી રહ્યા હોવાનું તેવોએ જણાવ્યું હતું.
આ અકસ્માત એક પ્રકારનો હીટ એન્ડ રન પ્રકારનો અકસ્માત લેખાવી શકાય. આ પ્રકારના કિસ્સાઓમાં અકસ્માત સર્જનાર વાહનચાલક વિરુદ્ધ કડકમાં કડક અને તટસ્થ તથા તાકીદની કાર્યવાહી થવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક સજા થવી જોઈએ એવો લોકમત જોવા મળી રહ્યો છે. જિંદગી ઝૂંટવી લેનાર અકસ્માતની તપાસ અસરકારક અને ઝડપથી થવી જોઈએ એવું પણ ઘણાં લોકો માની રહ્યા છે. અને આ પ્રકારના કિસ્સાઓમાં મૃતકનાં પરિજનોને તાકીદે પૂર્ણ ન્યાય મળવો જોઈએ તો જ આ પ્રકારના અકસ્માતો અંગે જનજાગૃતિ ફેલાવી શકાય. આ પ્રકારના કિસ્સાઓમાં પંચનામું ખૂબ જ સચોટ હોવું જોઈએ, સ્થળ પરનાં CCTV ફૂટેજ સહિતનાં પુરાવાઓ સાથે છેડછાડ ન થાય અને આરોપી કોઈપણ પ્રકારની માનવીય કે કાયદાકીય ત્રુટિને કારણે છટકી ન જાય તેની ચોકસાઈ થવી આવશ્યક હોય છે અને તે માટે સંબંધિત તમામ સ્તરે પૂરતી કાળજી લેવાવી જોઇએ એવી લોકચર્ચા રવિવારની સાંજથી સાંભળવા મળી રહી છે.
-ડો. કે.એમ. આચાર્ય કહે છે…..
આ અકસ્માત સંદર્ભે Mysamachar.in દ્વારા ડો.કે.એમ. આચાર્યનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું : કાર ચલાવતી વખતે મારો કોઈ જ વાંક ન હતો. સાયકલસવાર અચાનક ક્યાંકથી આવી ચઢ્યા અને કારના પૈડાં સાથે ટકરાયા. આ એક પ્રકારનો અકસ્માત છે. કાર મારાં પુત્રનાં નામે છે. અકસ્માત સમયે કાર હું ચલાવતો હતો, મારો પુત્ર મારી બાજુમાં બેઠો હતો. કાર સ્પીડમાં ન હતી. પોલીસ તથા કાયદો કહેશે એમ કરીશું. ધરપકડ અથવા જેલસજાનો મને કોઈ ડર નથી, કેમ કે મારો કોઈ વાંક નથી. મારી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. સાયકલસવાર ખોટી દિશામાંથી આવી કાર સાથે અથડાયો હતો.