Mysamachar.in-અમદાવાદ:
રાજયમાં વધુ એક વખત સોપારી દાણચોરી કૌભાંડ જાહેર થયું ત્યારે શરૂઆતમાં એવી ખબરો વહેતી થયેલી કે, આ કૌભાંડ 3-4 કરોડનું છે, એ જ સમયે સૂત્રોએ શંકા વ્યક્ત કરી કે, આ કૌભાંડ 200 કરોડથી વધુનું હોય શકે છે અને આ શંકા સાચી પણ પડી. આ કૌભાંડનો એક છેડો જામનગરમાં પણ જાહેર થઈ ગયો. એક વેપારીને ઉપાડી લેવામાં આવ્યો છે. રાજકોટના એક વેપારીની પણ ધરપકડ થઈ છે. ટૂંકમાં કૌભાંડ વ્યાપક છે, નાનું નથી.
કચ્છમાં ઓપરેટ થતાં રૂપિયા 200 કરોડના સોપારી દાણચોરી કૌભાંડમાં જામનગર અને રાજકોટના બે વેપારીની ધરપકડ થઈ છે. આ સોપારીકાંડ બહુચર્ચિત છે. ભૂતકાળમાં પણ સોપારીકાંડ કચ્છમાં ગાજેલું. આ કૌભાંડમાં અગાઉ મુંબઇ ખાતેથી 3 વેપારીઓને ઉપાડી લેવામાં આવ્યા પછી જામનગર અને રાજકોટના બે વેપારીની ધરપકડ થતાં કુલ ધરપકડનો આંક 5 થયો છે.
કચ્છના બંદરો પર વિદેશથી સોપારી મંગાવવામાં આવે છે. જેમાં મિસ ડેકલેરેશન એટલે કે બિલ પર ખોટી વિગતો જાહેર કરવામાં આવે છે. અને આ સોપારી ગુજરાત તથા ભારતમાં ઉંચા ભાવે વેચવામાં આવે છે. આ રીતે કસ્ટમ ડયૂટીની ચોરી કચ્છમાં લાંબા સમયથી ચર્ચાઓમાં છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, કચ્છમાં સોપારી દાણચોરી કૌભાંડમાં અગાઉ પોલીસનો તોડકાંડ પણ જાહેર થયેલો અને કચ્છની IG કચેરીના 4 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR પણ નોંધાયેલી છે.
જે વેપારીઓએ વિદેશથી સોપારી આયાત કરેલી તેમની વિરુદ્ધ પણ FIR છે. પોલીસે અગાઉ મુંબઇના 3 વેપારીઓ અનિલ પંડિત, દિનેશ માસ્ટર અને મેહુલ ભદ્રાની ધરપકડ કરી, રિમાન્ડ પણ લીધી હતી. આ રિમાંડ દરમિયાન આ કાંડમાં અન્ય શખ્સોની સંડોવણી બહાર આવી. પોલીસે રાજકોટના ચિરાગ ગોરી અને જામનગરના કનૈયા દિપકભાઈ દામાની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે એવો રિપોર્ટ છે.
આ સોપારી દાણચોરી ગુનો મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આ ગુનામાં પાંચ આરોપીઓની અટક થઈ અને રિમાન્ડ સાથે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી છે. ધરપકડ થયેલાં આરોપીઓ પૈકી ફિરોઝ નુરુદીન રાજવાણી હસ્તકના 6 ટ્રેલર વાહનોનો આ સોપારીકાંડમાં ઉપયોગ થયો હતો. તપાસમાં આ વિગતો ખૂલતાં આ 6 વાહનો પોલીસે કબ્જે લીધાં છે.
રાજકોટના ચિરાગ નામના વેપારીએ પોતાના CP ટ્રેડર્સ મારફત સોપારીનું વેચાણ મોહિત એન્ટરપ્રાઇઝને કરેલું. આ બિલ ખોટું હોવાનું બહાર આવ્યું. રાજકોટથી આ સોપારી મુન્દ્રા મોકલવામાં આવી એવું ખોટું બિલ શ્રુતિ રોડલાઈન્સના નામનું બન્યું હતું. જામનગરના આરોપી કનૈયા દામાએ પણ ખોટું બિલ બનાવ્યું છે એવું જાહેર થયું છે. તેણે એવું બિલ બનાવ્યું કે, તેની પૂનમ ટ્રેડર્સ પેઢીએ મોહિત એન્ટરપ્રાઈઝને સોપારીનું વેચાણ કરેલું છે. તપાસનીશ અધિકારીએ ચિરાગ તથા કનૈયાની વધુ પૂછપરછ હાથ ધરી છે.