Mysamachar.in: જામનગર
અત્યાર સુધી લોકોના રહેણાંક મકાનો GST કરજાળની બહાર હતાં, હવે ચોક્કસ પ્રકારના આવા મકાનોને કરજાળ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આગામી સમયમાં આ બાબતે જામનગરમાં પણ દોડાદોડી શરૂ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામનએ લોકસભામાં જાહેરાત કરી દીધી છે કે, જે સોસાયટીઝ અને એપાર્ટમેન્ટ( જે સોસાયટી તરીકે નોંધાયેલા હોય) પોતાના રહેવાસીઓ પાસેથી માસિક કે વાર્ષિક મેન્ટેનન્સની રકમ ઉઘરાવતા હોય તે રકમ જો વાર્ષિક ધોરણે રૂ. 20 લાખ કે તેથી વધુ થતી હોય તો તે પ્રકારની તમામ સોસાયટીઝ તથા એપાર્ટમેન્ટએ સરકારમાં નિયત દરે GST જમા કરાવવાનો રહેશે. જે સોસાયટી મકાનધારક કે ફલેટધારક પાસેથી મેન્ટેનન્સ પેટે માસિક રૂ. 7,500 વસૂલે છે તેમને પણ આ નિયમ લાગુ પડશે. આ GST મકાનધારકે નહીં પણ સોસાયટીએ ભરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં સોસાયટીઝ તરીકે નોંધાયેલા આવા એપાર્ટમેન્ટ તથા સોસાયટીઝની કુલ સંખ્યા 10,000 આસપાસ હોવાનું માનવામાં આવે છે જે બધાંને GST કરજાળમાં આવરી લેવામાં આવ્યા છે.