Mysamachar.in-જામનગર:
જામનગરના લાખાબાવળ નજીક આવેલું એક શૈક્ષણિક સંકુલ વધુ એક વખત વિવાદમાં સપડાયા બાદ આ સંકુલને લપડાક પડી છે અને આ સંકુલમાં કાર્યરત બી.એડ. કોલેજના સંચાલકોએ છાત્રોને ફી પરત આપવી પડી છે. આ માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે સતત પાંચ મહિના સુધી લડાઈ કરવી પડી, બાદમાં કોલેજ સંચાલકોએ ઝૂકવું પડ્યું છે. કોલેજ સંચાલકોએ કરેલાં તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા.
આ મામલો 2024ની ચોથી સપ્ટેમ્બરે શરૂ થયો હતો. ફોરમ સોલંકી અને ફુરકાન લખાના નામના બે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ આ મામલામાં, NSUI અને જામનગર શહેર યુવક કોંગ્રેસ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી. ફરિયાદ એવી હતી કે, લાખાબાવળ ખાતે આવેલી મીનાક્ષીબેન દવે બી.એડ.કોલેજમાંથી અમારે બે વિદ્યાર્થીઓએ નિયમ મુજબ ફી પરત લેવાની થાય છે પરંતુ સંચાલક જયવિનભાઈ દવે ફી પરત આપતાં નથી. કોલેજની ઓફિસમાંથી પણ અમોને ફી રિફંડ આપવા ઈન્કાર કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધાર પર જામનગર NSUI અને જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ મામલો રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિ.માં લઈ જવામાં આવેલો. UGC અને સૌરાષ્ટ્ર યુનિ.નો પરિપત્ર છે કે, કોઈ પણ વિદ્યાર્થી 31-10-2024 સુધીમાં પોતાનું કોલેજ એડમિશન રદ્દ કરાવે તો, તેને ભરેલી ફી ની પૂરી રકમ પરત આપવી. આમ છતાં આ કોલેજના સંચાલકોએ આ વિદ્યાર્થીઓને ફી પરત આપવા મામલે હેરાન કર્યા. ફી પરત આપી નહીં. આ મામલે ગત્ તારીખ 06-09-2024ના દિને પોલીસમાં પણ જાણ કરવામાં આવી. અને ત્યારબાદ 08-09-2024ના દિને સૌરાષ્ટ્ર યુનિ.માં લેખિત ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ સતત પાંચ મહિના સુધી યુનિ.માં મૌખિક રજૂઆત કરવામાં આવી. ગત્ 24 જાન્યુઆરીએ આ બાબતે યુનિ.ના વાઈસ ચાન્સેલર સમક્ષ ફરીથી લેખિત ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ આ કોલેજના સંચાલકોએ આ બંને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં, એ જ દિવસે ફી ની રકમ રૂ. 15,000 પરત જમા આપવી પડી.
સતત પાંચ મહિનાની આ લડાઈમાં સફળતા મળતાં NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા લાખાબાવળ ખાતે આ કોલેજ નજીક ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી. આ સમગ્ર મામલામાં ડો.તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા અને રવિરાજસિંહ ગોહિલે અગ્રણીઓ તરીકે જબરદસ્ત લડાઈ આપી હતી અને કોલેજ સંચાલકો વિરુદ્ધ વિજય પ્રાપ્ત કર્યો. આથી વિદ્યાર્થીઓએ ખુશીની ઉજવણી કરી.