Mysamachar.in-જામનગર:
જામનગરનો ગત્ શ્રાવણી લોકમેળો આ વખતે પણ વિવાદી બન્યો છે. આ લોકમેળામાં રૂ. 41 લાખનો ‘મોટો લોચો’ વિપક્ષ બહાર લાવ્યું છે. જે સંદર્ભે તપાસ કરવામાં આવશે અને કસૂરવારો વિરુદ્ધ પગલાંઓ લેવાશે, એમ કમિશનરે કહ્યું છે. ગત્ શ્રાવણી લોકમેળા દરમ્યાન જામનગર મહાનગરપાલિકાએ એમ જાહેર કરેલું કે, આ લોકમેળાની ટેન્ડર પ્રક્રિયાઓથી કોર્પોરેશનને રૂ. 2.07 કરોડની આવક થઈ છે. પરંતુ કોર્પોરેશનના વિપક્ષના નેતાએ આધાર પુરાવાઓ સાથે જાહેર કર્યું છે કે, આ રકમ પૈકી રૂ. 41 લાખની રકમ આજની તારીખે કોર્પોરેશનમાં જમા થઈ નથી.
આજે વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના વિપક્ષ દ્વારા આ સંબંધે કમિશનર ડી.એન.મોદી સમક્ષ વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાએ ટેન્ડર ભરનાર કેટલીક પાર્ટીઓ પાસેથી ડીમાન્ડ ડ્રાફ્ટને બદલે રકમના ચેક લીધાં છે, તે નિયમ વિરુદ્ધ છે. આ ઉપરાંત એક પાર્ટીએ ટેન્ડર ભર્યું હોય અને બીજી પાર્ટીએ તે માટે ચેક આપ્યો હોય તેવા પણ કુંડાળાઓ છે. નિયમ અનુસાર ચેક લઈ શકાય નહીં. અને આજની તારીખે આ ચેકની રકમ કોર્પોરેશનમાં જમા પણ થઈ નથી.
આ ઉપરાંત વિપક્ષ દ્વારા જે પુરાવાઓ રજૂ થયા છે તેમાં એક જગ્યાએ એમ પણ જોવા મળે છે કે, ટેન્ડર પ્રક્રિયાઓ દરમ્યાન જે કાગળ પર ટેન્ડર ભરનારની સહી છે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓની સહીઓ નથી. આ મુદ્દે પણ ખુલાસો થવો જરૂરી લેખી શકાય. અત્રે ઉલ્લેખનિય છે કે, મેળાના આ રૂ. 41 લાખના કથિત ભ્રષ્ટાચારનો મામલો ખૂબ ઘાટો બની ગયો છે.
-આજે કમિશનર દ્વારા આ મામલે શું કહેવાયું ?..
રૂ. 41 લાખની આ કથિત ગેરરીતિઓ અંગે વિપક્ષ દ્વારાકમિશનર સમક્ષ રજૂઆત થતાં, કમિશનરે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે રજૂઆત થઈ છે તેમાં કયાંય કશું ખોટું થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ખોટું ચલાવી લેવામાં આવશે નહીં અને સંબંધિત કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.