Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રદર્શન મેદાનમાં અને નદીના પટમાં શ્રાવણી લોકમેળાઓ યોજવા માટેની ગતિવિધિઓ હાથ ધરી છે. જો કે આ પ્રક્રિયાઓ હજુ પૂર્ણ થવા પામી નથી. આગામી સપ્તાહમાં આ પ્રક્રિયાઓ પૂર્ણ થશે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ ઓફિસર મુકેશ વરણવા આ લોકમેળાઓ અંગેની કામગીરીઓ સંભાળી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા ગત્ વર્ષે 58 પ્લોટમાં મેળો આયોજિત કરવામાં આવ્યો હતો, આ વર્ષે પ્લોટની સંખ્યા 49 કરવામાં આવી છે. કેમ કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારે આ પ્રકારના આયોજનોમાં નિયમો કડક બનાવ્યા છે અને નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા 49 પૈકી 42 પ્લોટની ટેન્ડર ખોલવાની કામગીરીઓ કરવામાં આવેલી, જે પૈકી 36 ટેન્ડર ખૂલી ગયા છે અને તેમાં કોર્પોરેશનને રૂ. 99 લાખની ઓફરો મળી છે. આ 42 પૈકી 3 ટેન્ડર હવે ઓનલાઈન પ્રોસેસ થશે અને 3 પ્લોટ માટે એક એક ટેન્ડર જ આવેલાં હોય, આ 3 પ્લોટ માટે રિ ટેન્ડરીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મશીન મનોરંજન માટેની 7 મોટી રાઈડ્સના ટેન્ડર ઓનલાઈન ખૂલશે અને 42 પૈકીના પણ 3 ટેન્ડર ઓનલાઈન ખૂલશે. જે 42 પ્લોટ છે તેમાં ફૂડઝોન માટે 10 પ્લોટ છે, 7 બાળકો માટેની રાઈડ્સ અને 8 હાથેથી ચલાવવાની રાઈડ્સ છે. ગત્ વર્ષે મહાનગરપાલિકાએ 58 પ્લોટમાંથી રૂ. 88.48 લાખની આવક મેળવી હતી.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને કારણે થયેલા નિયમો ફેરફારમાં નિર્ણયો લેવામાં આવ્યા છે કે, મેળામાં કયાંય પણ કપડાંથી સ્ટોલ બનશે નહી, તમામ સ્ટોલ પતરાંના રહેશે. દર વખતે મશીન મનોરંજન ધંધાર્થીઓ મેળાના સ્થળે જ રહેતાં હતાં, આ વખતે તેઓએ રહેવા માટે પ્રદર્શન મેદાન બહાર વ્યવસ્થાઓ કરવાની રહેશે. મશીન મનોરંજનના દરેક બે પ્લોટ વચ્ચે એક એક વધારાના એક્ઝિટ આપવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાએ મેળાનો સંપૂર્ણ વીમો રૂ. 5 કરોડનો લીધો છે. આ ઉપરાંત નદીના પટમાં જે મેળો યોજાશે તે મેદાન એક જ પાર્ટીને રૂ. 3.11 લાખમાં આપવામાં આવ્યું છે. અહીં મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની જવાબદારીઓ સંભાળવાની નથી. સમગ્ર મેળો ધંધાર્થીએ પોતાના હિસાબે અને જોખમે કરવાનો રહેશે.(file image source:google)