Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને આસપાસના ‘જાડા’ (જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ)વિસ્તારોમાં ઘણાં લાંબા સમયથી ઝોનફેર મામલો સતત ચર્ચાઓમાં રહે છે, આમ છતાં કયારેય પણ આ સંબંધે કોઈ જ સત્તાવાર માહિતીઓ કે વિગતો બહાર આવતી નથી તેથી લોકોમાં હવે એવો ભરોસો મજબૂત બની ગયો કે, આ કચેરી મૂંગા મોંએ ‘કામ ઉતારી’ રહી છે. આ કચેરી RTI અરજીઓને પણ ગાંઠતી નથી, તેનો એક અર્થ એમ પણ થઈ શકે કે, આ કચેરીને ગાંધીનગરના આશિર્વાદ અથવા પીઠબળ છે.
જામનગરના એક અરજદાર નિતીન માડમએ ‘જાડા’ કચેરીમાં ઝોનફેર સંબંધ વિસ્તૃત અરજી કરી હતી. આ અરજીનો જવાબ આપતી વખતે કચેરીને ‘ઝોનફેર’ શબ્દથી આંચકો લાગી રહ્યો હોય તેમ જવાબમાં કયાંય ઝોનફેર શબ્દ જ નથી. આથી અરજદારે આ કચેરીને ખુલ્લી ચેતવણી આપવી પડી છે કે, જો કચેરી (મુખ્ય કારોબારી અધિકારી)આ સંબંધે યોગ્ય જવાબો નહીં આપે તો, મામલો સીધો જ મુખ્યમંત્રી દરબારમાં લઈ જવામાં આવશે.
અરજદાર દ્વારા ‘જાડા’ના મુખ્ય કારોબારી અધિકારીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, CM સ્વાગત કાર્યક્રમ અને કલેક્ટર કક્ષાએથી આપની કચેરીને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે, અરજદારને સંતોષકારક જવાબ આપવામાં આવે. આમ છતાં આપની કચેરીએ આ બંને ઓથોરિટીની સૂચનાઓ અવગણી છે. આથી અરજદારે આ કચેરીને CM સમક્ષ જવાની અને અદાલતમાં આ આખો વિષય લઈ જવાની પણ ચિમકી આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ‘જાડા’ કચેરીએ એવી વિગતો બહાર પાડી હતી કે, કચેરીની જનરલ બોર્ડની બેઠક દરમ્યાન કેટલાંક ઠરાવ થયા છે. કેટલાંક એજન્ડા આ બેઠકમાં ફેરવિચારણા માટે રાખી દેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આ એજન્ડામાં ફેરવિચારણાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો, આગામી બેઠકમાં આ મુદ્દા પર કાર્યવાહીઓ અને નિર્ણય થશે.
