Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઈટ્સ પર કામદારોની સલામતી અને આરોગ્યની જાળવણી માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ નામનો એક અલાયદો સરકારી વિભાગ કાર્યરત હોય છે. આ વિભાગની જામનગર કચેરી અત્યંત વિવાદાસ્પદ છે. અધિકારીઓ મનમાની કરે છે. અને આ કચેરી પર કોઈનું નિયંત્રણ નથી જેને કારણે આ કચેરી સંભાળતા અધિકારીઓ બધી જ બાબતમાં ‘બેફામ’ હોવાની વિગતો બહાર આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં હજારો ઔદ્યોગિક એકમો છે, જેમાં લાખો કામદારો કરે છે. આ ઉપરાંત હજારો બાંધકામ સાઈટ્સ પણ કાર્યરત હોય છે, જ્યાં પણ લાખો શ્રમિકો કામ કરતાં હોય છે. સૌ જાણે છે એમ, આ તમામ ધંધાકીય સ્થળો પર આગ, અકસ્માત, બ્લાસ્ટ સહિતની ઘટનાઓ બનતી હોય છે. જેમાં કામદારો અને શ્રમિકોના જિવ પણ જતાં હોય છે. આમ છતાં આવી બધી જ દુર્ઘટનાઓને આ કચેરી દબાવી દે છે. આ પ્રકારના ‘સમાચારો’ છૂપાવી દેવાનો મતલબ ભ્રષ્ટાચાર સિવાય અન્ય શું હોય શકે ?? એવો પ્રશ્ન સ્વાભાવિક લેખી શકાય.
જામનગરની આ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરીમાં 2 અધિકારીઓ છે. બંને અધિકારીઓ જામનગર બહારના છે. બંને અધિકારીઓ મનમાની ચલાવે છે. બંને અધિકારીઓ ‘ગુટલીબાજ’ છે.? અને બંને અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રની વિગતો અંગે કાયમ માટે મૌન સેવી રહ્યા હોય, આ કચેરીની ચાર દીવાલો વચ્ચે અને ચાર દીવાલો બહાર, આ અધિકારીઓ શું શું ‘ખેલ’ પાડી રહ્યા હોય, એ કોઈ પણ વ્યક્તિ સમજી શકે.
અચરજની વાત એ છે કે, આ કચેરીએ પોતાની કામગીરીઓ અને કાર્યવાહીઓનું રિપોર્ટિંગ જિલ્લા કલેક્ટર કચેરીને કરવાનું હોતું નથી. તમામ રિપોર્ટિંગ સીધું જ રાજ્ય સરકારને કરવાનું હોય છે. રાજ્ય સરકાર કક્ષાએથી આ કચેરીની કામગીરીઓ અને કાર્યવાહીઓની સંપૂર્ણ વિગતો બહાર પડતી નથી. અન્ય જિલ્લાઓની વિગતો ગાંધીનગરથી જાહેર થઈ રહી છે. રાજ્ય સરકારે પારદર્શિતા જાળવવા કાં તો જામનગરની આ સરકારી કચેરીની સંપૂર્ણ વિગતો બહાર લાવવી જોઈએ અથવા આ વિભાગને કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા ગાંધીનગરથી વિજિલન્સ ટીમને આ જામનગર કચેરીની તપાસ માટે મોકલવી જોઈએ, એવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. આ કચેરીનું ‘ઓપરેશન’ થશે ? કે, વર્ષોથી ચાલતી આ લાલિયાવાડીઓ હજુ પણ વર્ષો સુધી ચાલતી જ રહેશે ?!…