Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટર એજન્સીના એક કર્મચારી અને હોસ્પિટલના એક કર્મચારી વિરુદ્ધ ગત્ રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગત્ મે મહિનામાં પણ જીજી હોસ્પિટલ સરકારી નાણાંની ઉચાપત મામલે સમાચારમાં ચમકી હતી. જો કે એ મામલાના બંને આરોપીઓ હાલ જેલહવાલે છે.
જીજી હોસ્પિટલમાં કાર્યરત કોન્ટ્રાક્ટર એજન્સી એમ.જે.સોલંકીના એક સેનેટરી ઈન્સ્પેક્ટર મકસુદ પઠાણ અને જીજી હોસ્પિટલના ચોથા વર્ગના એક કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજાએ એકસંપ કરીને અન્ય એક કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવીનો સાત મહિનાનો પગાર ખિસ્સામાં સેરવી લીધાંની હાલ ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે અગાઉનું લાખો રૂપિયાનું અન્ય એક ઉચાપત પ્રકરણ હાલ ઠંડુ પડી ગયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ જ કોન્ટ્રાક્ટર એજન્સીમાં અગાઉ ક્લાર્ક તરીકે નોકરી કરતા ભાર્ગવ નામના એક શખ્સે અન્ય એક મહિલા કર્મચારી દિવ્યા મુંગરા સાથે ‘ગોઠવણ’ કરીને જીજી હોસ્પિટલમાંથી સરકારી નાણાંની લાખો રૂપિયાની ગોલમાલ કર્યાની વિગતો ગત્ મે મહિનામાં બહાર આવી હતી. જે અનુસંધાને થોડા દિવસો પહેલાં ભાર્ગવ નામના આ શખ્સની ધરપકડ કરી પોલીસે તેને અદાલત સમક્ષ રજૂ કરેલો અને અદાલતે આ શખ્સને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જે આરોપી હાલ જેલમાં છે.
આ ઉચાપત મામલાની મહિલા આરોપી દિવ્યા મુંગરાની પણ થોડા દિવસ અગાઉ ધરપકડ થઈ ગઈ છે, ગત્ 23મી એ તેણીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી અને અદાલતના હુકમ અનુસાર તેણી પણ હાલ જેલમાં છે. નોંધનીય બાબત એ પણ છે કે, આ મામલામાં લાખો રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત થયેલી તે બધી જ રકમ હજુ સુધી રિકવર થઈ શકી નથી. આ મામલો પણ જીજી હોસ્પિટલે પકડયો ન હતો, તિજોરી કચેરીએ જીજી હોસ્પિટલને જાણ કર્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ આખરે ફરિયાદ દાખલ કરાવવી પડી હતી.
ટૂંકમાં…જીજી હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત કોન્ટ્રાક્ટર એજન્સી એમ.જે.સોલંકીના અલગઅલગ કર્મચારીઓ આ પ્રકારના આર્થિક કુંડાળાઓમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના તત્ત્વો હોસ્પિટલ સત્તાવાળાઓની મીઠી નજર હેઠળ અથવા તો હોસ્પિટલ કર્મચારીઓની મદદથી આર્થિક ગુનાઓ કરતાં રહે છે અને સરકારી નાણું ખિસ્સામાં સરકાવતા રહે છે. હોસ્પિટલ સત્તાવાળાઓ શા માટે આ બધું ચલાવી રહ્યા છે ? આખરે જ્યારે કોઈ થર્ડ પાર્ટી આવી બાબતો બહાર લાવે છે ત્યારે હોસ્પિટલ સત્તાવાળાઓ પોતે મોટું કામ કર્યું હોય એવો દેખાડો કરે છે. હકીકત એ છે કે, અંદર ખૂબ જ સડો છે અને કોન્ટ્રાક્ટર એજન્સીના માણસો રહસ્યમય કારણોસર આવી ગુનાખોરીમાં વ્યસ્ત રહે છે ! એજન્સીએ છાપેલા કાટલાઓને કામ પર રાખ્યા છે ? એ પણ તપાસનો વિષય હોવાનું જાણવા મળી રહ્યું છે.