Mysamachar.in-જામનગર:
જામનગરના C.A. અલ્કેશ પેઢડીયાની જામીન અરજી અદાલતમાં મંજૂર થઈ ગઈ છે એ એક અલગ વિષય છે પણ આ ચિતરામણ કરનાર સી.એ.ની તકલીફો સતત વધવા તરફ છે, તેની વિરુદ્ધ જામનગર-રાજકોટમાં વધુ 2 FIR દાખલ થઈ ગઈ છે. આ શખ્સે ખુદના મામાના દીકરા ભાઈને પણ કુંડાળામાં લપેટી લીધાની વિગતો બહાર આવી છે.
રાજકોટના મોટા મવા વિસ્તારમાં નંદન રેસિડેન્શિમાં રહેતાં અને ટુર્સ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતાં પ્રકાશ પરસોતમભાઈ કમાણી(37) જામનગરના સી.એ. અલ્કેશ પેઢડીયાના મામાના દીકરા છે. અલ્કેશે પ્રકાશ કમાણીના GST એકાઉન્ટમાં કુંડાળાઓ ચીતરી લીધાં. ઘરમાં પણ ખાતર પાડ્યું. સી.એ. અલ્કેશ પ્રકાશ કમાણીના એકાઉન્ટમાં 6 વર્ષથી ગોટાળા કરતો હતો.
આ કુંડાળાઓ કરીને પ્રકાશ કમાણીના એકાઉન્ટ મારફતે અલ્કેશે રૂ. 4.62 કરોડ પોતાના ખિસ્સામાં સેરવી લીધાં. સરકારને ચૂનો ચોપડી દીધો. અલ્કેશે આ કરોડો રૂપિયાનો ખેલ પ્રકાશ કમાણીની વિનાયક હોલિડેઝ કંપનીના નામે આચરી લીધો. પ્રકાશ કમાણીએ આ કંપની બંધ કરવા અલ્કેશને પોતાના C.A.તરીકે સતાઓ આપી હતી. પરંતુ અલ્કેશે આ કંપની કાગળ પર ચાલુ રાખી કરોડો રૂપિયાના કુંડાળાઓ કર્યા.
આ કંપનીના એકાઉન્ટ સંબંધે GST વિભાગે પ્રકાશ કમાણીને સમન્સ આપ્યું. પ્રકાશ કમાણી નિવેદન આપવા કચેરીએ ગયા. દરમ્યાન પ્રકાશ કમાણીને જાણ થઈ કે, એમના નામે અલ્કેશે રૂ. 4.62 કરોડ સરકારમાંથી ગુપચાવી લીધાં. આ કુંડાળામાં આલ્પલાઇન થાઈડ્રીમ નામની કંપનીના કાગળોનો ઉપયોગ થયો. પ્રકાશ કમાણીએ આ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ હવે અલ્કેશને ઉપાડી લેવા તૈયારીઓ કરી રહી હોવાનું સૂત્ર જણાવે છે.
દરમ્યાન, અલ્કેશ વિરુદ્ધ જામનગરમાં વધુ એક FIR દાખલ થઈ ગઈ. આ ફરિયાદ એક ‘મજૂર’એ દાખલ કરાવી છે. જામનગરમાં મજૂરીકામ કરતાં 33 વર્ષના મોહસિન સલીમભાઈ જુણેજાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલ્કેશ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ દાખલ કરાવી. ફરિયાદમાં મોહસિન જુણેજાએ કહ્યું કે, તેના નામે એક પેઢી રેકર્ડ પર નોંધાયેલી છે ! આ પેઢીનું કામકાજ સી.એ. તરીકે અલ્કેશ સંભાળતો હતો. આ પેઢીના નામે GST વિભાગમાં રૂ. 5.03 કરોડથી વધુની રકમ બાકી ભરવાપાત્ર વેરા તરીકે બોલે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આવી એક ફરિયાદ મોટી લાખાણીના એક વેપારીએ દાખલ કરાવેલી, ત્યારબાદ જામનગરના એક વેપારીએ આવી ફરિયાદ દાખલ કરાવી, ત્યારબાદ હવે આ ‘મજૂર’એ ફરિયાદ દાખલ કરાવી. જામનગરમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ અને રાજકોટમાં એક ફરિયાદ દાખલ થઈ. આમ, અત્યાર સુધીમાં અલ્કેશ વિરુદ્ધ કુલ 4 FIR દાખલ થઈ. અલ્કેશ હાલ શરતી જામીન પર ‘બહાર’ છે. પરિવાર સાથે દીવાળીના દિવસો માણે છે.