Mysamachar.in-જામનગર:
જામનગરના એક સગીરને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવેલો, એવો એક મામલો પોલીસમાં નોંધાયેલો છે. આ મામલો છેક હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. અદાલતે આ મામલામાં એમ પણ પૂછ્યું કે, કસૂરવાર પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાંઓ લેવાશે કે કેમ ? અને, જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના CCTV નો મુદ્દો પણ વડી અદાલતમાં ચર્ચામાં આવ્યો, તેમાં પણ પોલીસને ઠપકો સાંભળવાનો વારો આવ્યો.

ગત્ માર્ચ માસમાં જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ એક ફરિયાદ થયેલી. જેમાં મામલો એવો હતો કે, 14 વર્ષના એક સગીરને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે, એવો આક્ષેપ થયેલો. આ કેસ રાજ્યની વડી અદાલતમાં પહોંચી ગયો છે. વડી અદાલતના જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ સરકારપક્ષ સામે એવો વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, કસૂરવાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ લેવાશે કે કેમ ? વડી અદાલતે પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, ખરેખર તો પોલીસે એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવું જોઈએ કે, પોલીસ પોતાના કર્મચારીઓ સામે પણ પગલાંઓ લેતાં ખચકાતી નથી. પોલીસ ફોર્સને છૂટા હાથે કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
આ કેસ માર્ચ મહિનાનો છે. જેમાં જોરથી હોર્ન વગાડવા મામલે બે જૂથો વચ્ચે ઝઘડો થયેલો. એક જૂથે હથિયાર વડે બીજા જૂથ પર હુમલો કરેલો. આ કેસમાં સગીરના પિતાની ધરપકડ થયેલી અને સગીરને જૂવેનાઈલ આરોપી બનાવવામાં આવ્યો હતો. સગીરને માતા સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. તેને એક અલગ રૂમમાં લઈ જઈ માર મારવામાં આવેલો. સગીરે હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ મુદ્દે પોલીસે પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ ન કરતાં, મામલો છેક વડી અદાલતમાં પહોંચી ગયો.
હાઈકોર્ટે જામનગર પોલીસનો ઉધડો લેતાં કહેલું: ખૂંખાર આરોપી વિરુદ્ધ પોલીસ બળ વાપરે તે બરાબર પણ 14 વર્ષના છોકરાને માર મારી શકાય નહીં. તેના પર પોલીસ દ્વારા અત્યાચાર થયો છે. આવતીકાલે તમારાં બાળક સાથે પણ આવું થઈ શકે. પોલીસ વિરુદ્ધના આક્ષેપોને લઈ CCTV મુદ્દે વડી અદાલતે માર્મિક ટકોર કરી હતી કે, પોલીસ વિરુદ્ધ જ્યારે પણ આક્ષેપ હોય ત્યારે પોલીસ સ્ટેશનના CCTV મળતાં હોતા નથી. વડી અદાલતે પોલીસના અત્યાચારી વલણને લઈ સરકારપક્ષનો ખુલાસો માંગ્યો છે અને આગામી સુનાવણી નિશ્ચિત કરી છે.
