જામનગર શહેરમાંથી દરરોજ સાડાત્રણસો ટન જેટલો ઘન કચરો નીકળે છે, જે હાલ ગાંધીનગર વિસ્તારમાં આવેલાં ખાનગી પ્લાન્ટમાં નહીં પણ, ગુલાબનગરથી આગળ આવેલી ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે, કારણ કે ગાંધીનગર વિસ્તારમાં આવેલો પ્લાન્ટ હાલ બંધ છે.
મહાનગરપાલિકા સાથે સંકળાયેલા અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, શહેરના ગાંધીનગર ખાતેના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરીઓ હાલ બંધ છે. અને કેટલાક દિવસો બાદ ચાલુ થશે તે હાલ સુધી નક્કી નથી એમ કહેવાય છે કે, આ પ્લાન્ટમાં હાલ મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હોય, પ્લાન્ટ બંધ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં રોજ આશરે 350 ટન જેટલો ઘન કચરો નીકળે છે. જે નાના મોટા વાહનો દ્વારા આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સુધી કોર્પોરેશન પહોંચાડે છે અને આ કચરામાંથી એબેલોન નામની ખાનગી કંપની વીજળી બનાવે છે.
આધારભૂત સૂત્રના કથન મુજબ, આ પ્લાન્ટ હાલ બંધ હોવાથી મહાનગરપાલિકા શહેરનો તમામ ઘન કચરો હાલ ગુલાબનગરથી થોડે દૂર આવેલી ડમ્પિંગ સાઈટ પર ઠાલવે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અહીં પણ એક ખાનગી કંપની કચરાને પ્રોસેસ કરી, ખાતર વગેરે બનાવી વેચાણ કરે છે. આ બંને કંપનીને કચરો પૂરો પાડવાનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે. ડમ્પિંગ સાઈટવાળી કંપનીને મહાનગરપાલિકા ‘કામ’ કરવા કરોડો રૂપિયા પણ આપે છે. અને બંને કંપનીઓ કચરાને ચોક્કસ ચીજોમાં રૂપાંતરિત કરી ‘ચલણી નોટ્સ’ તોતિંગ પ્રમાણમાં છાપે છે. સમાચારોની અને ટેકનોલોજિની દુનિયામાં આ કળાને કચરામાંથી કાંચન એટલે કે સોનું પેદા કરવાની કળા તરીકે ઓળખવામાં આવે છે.(file image)