Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી નામનો પ્લાન્ટ મહિનાઓથી બંધ છે. અને, આ પ્લાન્ટને ફરી શરૂ કરાવવા અંગેના મહાનગરપાલિકાના અત્યાર સુધીના બધાં જ પ્રયાસ નિષ્ફળ રહ્યા હોય હવે, મહાનગરપાલિકાએ કાનૂની માર્ગ અખત્યાર કર્યો હોવાનું સૂત્ર જણાવે છે. કંપનીને લીગલ પ્રોસેસ અંતર્ગત નોટિસ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મહિનાઓથી બંધ હોય, મહાનગરપાલિકાએ હાલ શહેરનો તમામ કચરો છેક ગુલાબનગર નજીકના ડમ્પિંગ પોઈન્ટ ખાતે પહોંચાડવો પડે છે. જ્યાં કચરાના ડુંગરો ખડકાયા. તેના પર વરસાદ પડી રહ્યો છે. આ ગંદકી ખૂબ જ ગંધાય છે અને આ ગંદકી દરિયામાં વહી રહી છે. બીજી તરફ અહીં કચરો પહોંચાડવા કોર્પોરેશન રોજ રૂ. 10 લાખનું આંધણ કરી રહી છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને લાલ જાજમ પાથરી જામનગરમાં વેલકમ કરનારી મહાનગરપાલિકા હાલ કંપનીને કશું જ કરી શકવાની સ્થિતિમાં નથી, લાચારી અનુભવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં આ કંપનીને 2 વખત રેગ્યુલર નોટિસ મોકલાવી દીધી છે. કંપની મહાનગરપાલિકાને જવાબ આપતી નથી. આથી હવે નિયમ મુજબ, મહાનગરપાલિકાએ આ કંપનીને લીગલ પ્રોસેસ અંતર્ગત નોટિસ આપવાનું મન બનાવી લીધું છે અને ટૂંક સમયમાં લીગલ નોટિસ મોકલાવશે, એમ જાણવા મળી રહ્યું છે.