Mysamachar.in-ગાંધીનગર:
જામનગરના એક ઉદ્યોગપતિએ કસ્ટમ્સમાં કાગળો રજૂ કર્યા, કે જામનગરથી અમો દૂબઈ ખાતે બ્રાસના ઈલેક્ટ્રીક પાર્ટસ મોકલી રહ્યા છીએ, કસ્ટમ્સના અધિકારીઓએ આ કન્ટેનર કલીયર કર્યું. બાદમાં, આ કન્ટેનર ચેક થયું. તેમાં બ્રાસના ઈલેક્ટ્રીક પાર્ટસ ન હતાં. તમામ 724 બોકસમાં સિમેન્ટની ઈંટ હતી. આ મામલામાં જામનગરના નિકાસ એકમના ભાગીદાર ઉદ્યોગપતિ અને કસ્ટમ્સના 2 અધિકારીઓને 3-3 વર્ષની જેલસજાનો હાલ આદેશ થયો. આ સમાચાર જામનગરમાં વાયુવેગે ફેલાઈ જતાં, સનસનાટી મચી ગઈ છે. કારણ કે, આ નિકાસ એકમના અન્ય એક ભાગીદાર ઉદ્યોગપતિનું જામનગરમાં મોટું નામ છે અને ભૂતકાળમાં તેઓ ઉદ્યોગપતિઓના સંગઠનના પ્રમુખ પણ હતાં.
ગાંધીનગર CBI કોર્ટના સ્પેશિયલ જજે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં જે 3 ને 3-3 વર્ષની જેલ થઈ છે તેમાં ઉદ્યોગપતિ અંકિત ચાંગાણી, ત્યારના કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ મીણા અને કસ્ટમ્સ ઈન્સ્પેક્ટર છાબરાનો સમાવેશ થાય છે. આ ભાગીદારી નિકાસ એકમનું નામ અમરદીપ એક્સપોર્ટ છે.
આ પેઢીએ 2016ની સાલમાં આ કાગળો કસ્ટમ્સ સમક્ષ દાખલ કરેલાં. આ કન્ટેનરમાં જેતે સમયે રૂ. 1.08 કરોડનો માલ હતો એવું કસ્ટમ્સમાં જાહેર કરવામાં આવેલું. આ મામલામાં સરકારની તિજોરીને રૂ. 70,25,618 ની નુકસાની પહોંચાડવામાં આવેલી. સરકારે ત્યારના જામનગર કસ્ટમ્સના સુપ્રિટેન્ડેન્ટ રૂપ નારાયણ મીણા, તે સમયના ઈન્સ્પેક્ટર રાહુલ છાબરા અને ઉદ્યોગપતિ અંકિત ડી. ચાંગાણીને આ કેસમાં, આ મામલે આરોપીઓ તરીકે નોંધી કેસ દાખલ કરેલો. જેનો ચુકાદો હવે આવ્યો છે. આ ત્રણેય આરોપીઓને રૂ. 50-50 હજારનો દંડ પણ થયો છે.
કસ્ટમ્સના આ અધિકારીઓએ જેતે સમયે, આ નિકાસી કન્ટેનરને તપાસી, ઓકે રિપોર્ટ બનાવી, રિપોર્ટમાં પોતાના સહી સિક્કા કરી, આ કન્ટેનરને સીલ પણ લગાવી દીધેલું. જેથી કન્ટેનરની પછી તપાસ કરવાની જરુર ન રહે. પરંતુ આ કન્ટેનર અંગે સત્તાવાળાઓને શંકાઓ થઈ, કન્ટેનર ચેક થયું. બ્રાસ ઈલેક્ટ્રીક પાર્ટસના બદલે કન્ટેનરમાંથી સિમેન્ટની ઈંટો નીકળી પડી. CBI કોર્ટમાં આ મામલાની ટ્રાયલ ચાલી અને સ્પેશિયલ જજે આ કેસમાં ઉપરોકત ચુકાદો સુણાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રાસ ભંગાર તથા બ્રાસના તૈયાર માલની આયાતો અને નિકાસોનું કદ પણ મોટું છે અને તે અંગેની ચર્ચાઓ પણ દાયકાઓથી વ્યાપક છે. આ પ્રકારના મામલાઓ અવારનવાર બનતાં હોવાનું કહેવાય છે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)