Mysamachar.in-જામનગર:
રાજ્યમાં (અને, જામનગરમાં પણ) ખાનગી શાળાઓના સંચાલકોની ‘મોજ’ કાયમ ટકી રહે અને આ મોજ વધી શકે તે માટે, સરકારી શાળાઓનું ગળું ખુદ સરકાર દબાવી રહી હોય, એવી ગંભીર સ્થિતિઓ જામનગરમાં પણ છે ! અને, આ જ સ્થિતિઓ આખા રાજ્યમાં છે. સરકાર આ સરકારી શાળાઓને ગ્રાન્ટના રૂપિયા સમયસર આપતી નથી. સરકાર પાસે રૂપિયા નથી, કે સરકારી શિક્ષણ માટે રૂપિયા વાપરવાની સરકારની દાનત નથી ? એ પ્રશ્ન સપાટી પર આવી ગયો.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જે સરકારી પ્રાથમિક શાળાઓ હોય, તેના સંચાલન માટે SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે. સરકારે આ સંચાલન માટે આ કમિટીને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ આપવાની હોય છે. જે રૂપિયાની મદદથી શાળાઓ ચાલે. ગત્ વર્ષથી સરકારે એવો નિયમ બનાવી દીધો કે, આ ગ્રાન્ટના નાણાં કમિટીને વર્ષ દરમિયાન ચાર કટકે, 25-25 ટકા લેખે આપવા.
અહીંથી ખેલ શરૂ થયો. સરકારે નિયમ મુજબ આ ત્રીજો હપ્તો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આપવાનો હોય, જે 17 માર્ચના રોજ આપ્યો. આ નાણાં 31 માર્ચ પહેલાં ખર્ચ કરી નાંખવા પડે. હવે સ્થિતિ એ થઈ કે, જાન્યુઆરીથી માર્ચનો અંતિમ અને ચોથો હપ્તો ક્યારે આવશે ? કે નાણાંકીય વર્ષ માર્ચમાં પૂર્ણ થતું હોય, કમિટીને ચોથો હપ્તો મળશે જ નહીં ?!

સરકારના આ નાણાંમાંથી શાળાઓએ લાઈટ, પાણી, ઉપલબ્ધ સંસાધનોનું મેન્ટેનન્સ, નિભાવ, જાળવણી તથા વિકાસકામો કરવાના હોય. નાણાં જ ન હોય તો, આ બધાં કામો થાય કેમ ?! જામનગરની 744 સરકારી પ્રાથમિક શાળાઓને ગ્રાન્ટનો ત્રીજો હપ્તો 17મી માર્ચે આપવામાં આવ્યો. આ જ રીતે સરકારી માધ્યમિક શાળાઓનું ગળું પણ ઘોંટવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આવી શાળાઓ 37 છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા કહે છે, શાળાઓને ગ્રાન્ટના ચોથા હપ્તાની રકમની ફાળવણી કરવામાં આવી નથી. આ રકમ રૂ. 1.71 કરોડ છે. 3 હપ્તામાંં રૂ. 5.19 કરોડ આપવામાં આવ્યા છે. સૂત્રમાંથી એમ પણ જાણવા મળે છે કે, ગત્ વર્ષે પણ આ ઈરાદાપૂર્વકના વિલંબને કારણે શાળાઓ ગ્રાન્ટના નાણાંનો ઉપયોગ કરી શકી ન હતી. જાણકારો પૂછી રહ્યા છે કે, સરકારનો ઈરાદો ખરેખર શું છે ? સરકારી શાળાઓ બંધ કરાવવાની યોજના પર કામ થઈ રહ્યું છે ?! અહીં એ પણ નોંધનીય છે કે, ગ્રાન્ટના નાણાં કેટલીક ખાનગી બેંકોને વગર વ્યાજે વાપરવા મળી રહ્યા છે, કેમ કે આ નાણાંના જે બેન્ક એકાઉન્ટ હોય છે તેમાં ખાનગી બેંકોને ‘લાભ’ થાય, એવી વ્યવસ્થાઓ સરકારે કરી આપી છે !(symbolic image)
