Mysamachar.in-જામનગર:
જામનગર અને ખંભાળિયાને જોડતાં ધોરીમાર્ગ નજીક આ હાઈ-વે અને લાલપુર તાલુકાના કાના છીકારી ગામ સુધી આગામી સમયમાં ફોરલેન રોડ બનશે. આ જગ્યા સરકારી ખરાબાની જમીનો અને ગૌચરની જમીનો ધરાવે છે, જેના પર અત્યાર સુધી કેબિનો, દુકાનો અને ખેતીવિષયક દબાણો હતાં, જે હવે દૂર કરવામાં આવ્યા છે.
જામનગરના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા છે. આ જગ્યા શાપરના પાટીયાથી શાપર ગામ સુધીની છે. જેના પર 38 બાંધકામો ગેરકાયદેસર હતાં, જેમાં કેબિનો, દુકાનો, ગોદામો હતાં અને આ જમીન પૈકી કેટલીક જમીનો પર ‘ખેતી’ પણ થતી હતી ! આ હાઈ-વે અને કાનાછીકારીને ફોરલેન રોડથી જોડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય, આ 38 બાંધકામો આજે દૂર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ 6 જૂલાઈએ આ ગેરકાયદેસર બાંધકામોના કબજેદારોને નોટિસ આપવામાં આવ્યા બાદ આજે પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ દબાણો હટાવી, ગૌચરની તથા સરકારી ખરાબાઓની જમીનો રોડ બનાવવા માટે ખુલ્લી કરાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બી.એ.કાલરીયા અને ગ્રામ્ય મામલતદાર એમ.જે.ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી છે.