Mysamachar.in-જામનગર:
જામનગરમાં આ વર્ષે લોકમેળો બરાબર ચકરાવે ચડ્યો છે. કેટલાંક દિવસો અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેને ચેર પરથી લોકમેળા સંબંધે જાહેરાત કરેલી, તે પછી શહેરમાં વિવાદ થયો છે, અદાલતમાં પણ આ નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આજે 25 જૂલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે છતાં હજુ મેળા સંબંધે જો અને તો ચાલી રહ્યું છે. થોડાં સમય અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા એવી જાહેરાત થયેલી કે, કોર્પોરેશનના કમિશનર, કલેક્ટર અને એસપી સાથેના સંકલન બાદ 10 થી 24 ઓગસ્ટ દરમ્યાન પ્રદર્શન મેદાનમાં મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જાહેરાત થયા બાદ શહેરમાં મેળાના સ્થળ અંગે વિવાદ શરૂ થયો છે. કારણ કે, પ્રદર્શન મેદાનમાં હાલ હંગામી એસટી ડેપો કાર્યરત છે. આ ઉપરાંત આ આખા મામલાને સુરક્ષા-સલામતી મુદ્દે જામનગરના એક નાગરિક દ્વારા અદાલતમાં પણ લઈ જવામાં આવ્યો. જેની સુનાવણીની તારીખ આગામી 7 ઓગસ્ટ છે. અને મેળો શરૂ કરવાની તારીખ 10 ઓગસ્ટ જાહેર કરવામાં આવેલી છે.
દરમ્યાન, પ્રદર્શન મેદાન ખાતે મેળાની નાની મોટી રાઈડ્સ અને મનોરંજનના સાધનો ફીટ કરવાની કામગીરીઓ હાલ ધંધાર્થીઓ દ્વારા ચાલી રહી છે. જેનું સત્તાવાર નિરીક્ષણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. મેળા માટેની ઓનલાઈન અને ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયાઓ સંબંધિતો સાથે આટોપી લેવામાં આવી છે.
જો પ્રદર્શન મેદાનમાં જ મેળો યોજવાનો થાય તો એસટી બસ સહિતનો વાહનવ્યવહાર અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કેવી રીતે ગોઠવી શકાય, તે બાબતોનો ક્યાસ લગાવવા કમિશનર, એસપી તથા વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી ચૂક્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન કહી રહ્યા છે કે, રાઈડ્સ માટે સરકારની SoPના પાલન સાથે મેળો યોજવાનો રહેશે. આ ઉપરાંત તેઓ મેળાના આ નિર્ણયને કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મંજૂરી માટે લઇ જવામાં આવશે એમ કહી રહ્યા છે. અહીં પ્રશ્ન એ છે કે, શું આ કાર્યવાહી માટે જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે ?
દરમ્યાન, ગઈકાલે ગુરૂવારે વિપક્ષે મેળાના સ્થળ અંગે કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટેન્ડિંગ ચેરમેન તથા ભાજપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. અંધેર નગરી, ગંડુ રાજાની થીમ દર્શાવવા વિપક્ષે આંખે પટ્ટીઓ બાંધી હતી, શાસકોને મેળા સંબંધે રસ્તો દેખાડવા પ્રતિકરૂપે હાથમાં ફાનસ રાખ્યા હતાં અને મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ચેરમેને લેવી જોઈએ એમ કહી, ચેરમેન આ માટે અદાલતમાં સોગંદનામું કરે એવી માંગ પણ કરી હતી.
જે અનુસંધાને ચેરમેને કહી દીધું કે, કોઈ પણ અકસ્માત કુદરતી ઘટના હોય છે. તેમાં સોગંદનામા ન હોય. હા, અકસ્માત ન થાય તેની કાળજી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહી છે. SoPના પાલન બાબતે કડક વલણ અખત્યાર કરવામાં આવશે અને તંત્રના રિપોર્ટના આધારે મેળાના આયોજનમાં આગળ વધવામાં આવશે. જો કે, કોઈ પણ સંજોગોમાં મેળો નિર્ધારીત આયોજન અનુસાર પ્રદર્શન મેદાનમાં જ થશે- તેવી સ્પષ્ટતા સાથે કોઈ જાહેરાત, વિવાદ બાદ કોઈના દ્વારા થઈ નથી. અને એ પણ ઉલ્લેખનિય છે કે, મેળા સંબંધિત જે અદાલતી કાર્યવાહીઓ ચાલી રહી છે તેમાં સ્થાનિક અદાલત મેળા સંબંધે કોર્પોરેશનનું સ્ટેન્ડ જાણવા ચાહે છે આથી કોર્પોરેશનને અદાલત દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આમ આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યાં સુધી, આ વર્ષે મેળો હજુ ‘ચકરાવે’ ચડેલો હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે !! વિવાદ યથાવત્ છે. કાનૂની જંગ પૂર્ણ થયો નથી.(file image)