Mysamachar.in:જામનગર
જામનગરના એક તબીબ પુત્રનું મેડીકલ કોલેજમાં એન.આર.આઈ. કોટામાં એડમીશન કરાવવા મથતા હતા દરમિયાન એક શાતીર શખ્સનો ભેટો થઇ જતા તબીબે તેને 15 લાખ આપી દીધા બાદ એડમીશન જ ના મળતા સમગ્ર મામલે સી ડીવીઝન પોલીસમાં ડોક્ટર ઉદયપુરના શખ્સ સામે છેતરપીંડી અને વિશ્વાઘાત કર્યા સબબની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગરની સમપર્ણ હોસ્પીટલના ડીરેક્ટર અને અંબર ચોકડી નજીક શ્રેયસ હોસ્પિટલ ચલાવતા ડો.હિમાંશુ પાઢ જામનગરના જાણીતા તબીબ છે, તેવોને સંતાનમાં પુત્ર નિસર્ગ છે. નિસર્ગે જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમ.ડી.ના અભ્યાસ માટે અલગ અલગ કોલેજ અને યુનીવર્સીટીમાં તપાસ કરતા હતા દરમિયાન ડો.હિમાંશુ પાઢનો ભેટો અચાનક ધવલ સંઘવી જે ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે તેની સાથે થયેલ હતો, અને તે દરમિયાન તબીબ અને ધવલ વચ્ચે વાતચીત થતા રાજસ્થાનના ધવલ સંઘવીએ પોતે નિર્સગ પાઢનું એડમીશન NRI ક્વોટામાં કરાવી આપશે તેની મોટી ઓળખાણો છે વગેરે વાતોમાં ડોક્ટરને ફસાવી દીધા હતા.
જે બાદ એડમીશન કરવા માટે પ્રથમ આગંડિયા મારફત 10 લાખ અને બીજી વખત 5 લાખ એમ કુલ મળી 15 લાખની રોકડ રકમ ડો.હિમાંશુ પાઢ પાસેથી મેળવી લીધા બાદ તબીબ દ્વારા વારંવાર તેનો સંપર્ક એડમીશનને લઈને કરવામાં આવ્યો ત્યારે ધવલ સંઘવીએ થઇ જશે થઇ જશે ના ગીતોં ગયા કર્યા દરમિયાન નિસર્ગ પાઢનું એડમીશન અન્ય કોલેજમાં થઇ જતા ડો.હિમાંશુભાઈ એ ધવલને પોતે આપેલ નાણા પરત આપવાની માંગ કરતા ધવલ સંઘવીએ પોતે કોલેજમાંથી નાણા પરત લઇ અને આપી દેશે તેવી વાતો કરેલ.
જે બાદ ડોક્ટર પાઢ દ્વારા રાજસ્થાન સ્થિત જે કોલેજના નામો ધવલ સંઘવીએ આપેલ ત્યાં તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ સાથે કોલેજને કોઈ લાગતું વળગતું ના હોવાનું સામે આવતા પોતે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો શિકાર બન્યા હોવાનું માલુમ પડતા તબીબે સી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા મતલબની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.