Mysamachar.in-જામનગર:
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા જેલની એક ઘટનાની ફરિયાદ દાખલ થઈ. ફરિયાદ કહે છે : જેલમાં 2 કેદી વચ્ચે ‘ઢીશૂમ ઢીશૂમ’ થયું છે. જે પૈકી 1 કેદી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
જામનગર જેલના યાર્ડ નંબર 6 ની બેરેક નંબર 4 માં બંધ એવા કેદી નવાઝખાન અયુબખાન પઠાણ (34)એ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં આરોપીનું નામ કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલો ઢીંગલી છે. નવાઝખાન અને કુલદીપસિંહ જેલની બેરેકમાં જમવા બેસતા હતાં ત્યારે કુલદીપસિંહે ખાનના થેલામાંથી નાસ્તો કાઢી, નાસ્તો કર્યો એ દરમ્યાન કંઈક એવું બની ગયું કે, કુલદીપસિંહે ખાનને ગાળો આપી અને બાજુમાં રહેલો સ્ટીલનો ગ્લાસ માથામાં ઝીંકી, ફરિયાદીને ઢીકાપાટુનો માર પણ માર્યો. અને પછી, જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી દીધી. નવાઝખાન દ્વારા આ મતલબની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જેલમાં ગુનાહિત માનસ ધરાવતા અને કેટલાંક આક્રમક શખ્સો કેદી તરીકે હોય છે, એટલે જેલમાં ડખ્ખા આમ તો સામાન્ય બાબત ગણાતી હોય છે.