Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ ઉદ્યોગનગરના એક કારખાનામાં સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા ટેન્કમાં ઉતરેલા 4 સફાઈ કામદારો પૈકીના 1 કામદારને ઝેરી ગેસની ભયંકર અસરો થતાં આ કામદારને ગંભીર હાલતમાં તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સારવાર દરમ્યાન જો કે હવે તેની સ્થિતિઓ ચિંતાઓ બહાર હોવાનું સ્થાનિક આગેવાનો જણાવે છે.
આ બનાવની વિગતો એવી છે કે, દરેડ ઉદ્યોગનગર ખાતે ગેટ નંબર 2 પાસે નિતેશ વશરામભાઈ તરાવીયાના કારખાના જે.બી. એન્ટરપ્રાઇઝની સેપ્ટિક ટેન્કની સફાઈ માટે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે 4 સફાઈ કામદારોને કામગીરીઓ સોંપવામાં આવી હતી. આ કામગીરીઓ દરમ્યાન શનિ રમેશભાઈ વાઘેલાને ઝેરી ગેસની જોરદાર અસરો થઈ જતાં તેની હાલત ગંભીર બની જતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કારખાનામાં આ કામગીરીઓ દરમ્યાન હસમુખ જગદીશભાઈ કબીરા, શૈલેષ રમેશભાઈ વાઘેલા અને કલ્પેશ વિજયભાઇ મકવાણા પણ જોડાયા હતાં. જો કે તેમને કોઈ અસરો થઈ ન હતી. આ બનાવની જાણ થતાં જામનગરના સ્થાનિક આગેવાનો અમિત પરમાર અને મહેશ બાબરિયા દોડી ગયા હતાં અને અમદાવાદના પરસોતમ વાઘેલા અને ખંભાળિયાના રમેશ વાઘેલા સહિતના અગ્રણીઓ સાથે સંપર્કમાં રહ્યા હતાં અને આ આગેવાનોના મોનિટરીંગ મુજબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહ્યા હતાં. અમિત પરમારે આજે સવારે જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા શનિ રમેશભાઈ વાઘેલાની સ્થિતિ ભયમુક્ત છે.
