Mysamachar.in:જામનગર Exclusive
ગુજરાતમાં ખાનગી શાળાઓનાં સંચાલકોના આઠેય આંગળા અને બંને અંગુઠા ઘી માં છે. જામનગર પણ એમાંથી બાકાત નથી. વાલીઓ પાસેથી વધુમાં વધુ નાણાં કેવી રીતે ખંખેરવા ? એ કળા પ્રત્યેક ખાનગી શાળાઓનાં સંચાલકો સારી રીતે જાણે છે. ગુજરાત સરકારે ખાનગી શાળાઓનાં ફી નાં ધોરણો સામેનો લોકરોષ ઠંડો પાડવા, FRC (fee regulation committee) ની રચના કરી છે. આ કમિટી ફી નિયંત્રણ નથી કરતી, નિર્ધારિત કરે છે ! આ કમિટી વાલીઓનું નહીં, શાળા સંચાલકોનું હિત સાચવે છે ?! આ કમિટી શાળાઓનાં ફી-વધારા ફટાફટ મંજૂર કરી આપે છે ?! જામનગરની જ વાત કરીએ તો, મોટાભાગની શાળાઓ FRC સમક્ષ ફી-વધારો મંજૂર કરાવવામાં સફળ રહી છે ! જેને કારણે વાલીઓ સરેઆમ લૂંટાઈ રહ્યા છે. વાલીઓ મજબૂર છે. મોટો ખર્ચ કરીને સંતાનોને શિક્ષણ અપાવી રહ્યા છે. આ વિષયમાં વાલીમંડળ કે વિપક્ષ પણ વાલીઓની તરફેણમાં કશું કરી શક્યા નથી. કેમ કે, FRC નો નિર્ણય આખરી હોય છે !
જામનગરની મોટાભાગની ખાનગી શાળાઓએ પાછલાં પાંચ વર્ષ દરમિયાન FRC સમક્ષ ફી-વધારા મંજૂર કરાવી લીધાં છે. આ શાળાઓમાં ભવન્સ, SB શર્મા, તપોવન, નંદવિદ્યા નિકેતન, પાર્વતીદેવી, સેન્ટ ફ્રાન્સિસ, સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ ગ્રેગોરિયસ, સેન્ટ આન્સ, કાલિન્દી અને રાધિકા એજયુકેર સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓએ પાછલાં પાંચ વર્ષ દરમિયાન વાલીઓ પાસેથી તોતિંગ ફી વધારા વસૂલ્યા છે ! આ અંગેની વિગતો પણ શિક્ષણ વિભાગ જાહેર કરવા ઈચ્છતો ન હતો પરંતુ Mysamachar.in દ્વારા આ વિગતો લાંબી રકઝક બાદ શિક્ષણ વિભાગ પાસેથી નિયમાનુસાર મેળવવામાં આવી છે.
શિક્ષણ વિભાગ પાસેથી નિયમાનુસાર મેળવવામાં આવેલી વિગતો મુજબ, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલયમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં 2017/18 માં ધોરણ 9-10 ની વાર્ષિક ફી રૂ.15,070 હતી, જે વર્ષ 2022/23 માં રૂ.23,200 કરવામાં આવી હતી. ધોરણ 11-12 સામાન્ય પ્રવાહની વાર્ષિક ફી વર્ષ 2017/18 માં રૂ.15,510 હતી જે વર્ષ 2022/23 માં વધારીને રૂ.24,000 કરવામાં આવી હતી.
એ જ રીતે, SB શર્મા પબ્લિક સ્કૂલમાં વર્ષ 2017/18 માં ધોરણ 10ની વાર્ષિક ફી રૂ.17,600 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.19,100 કરવામાં આવી હતી. ધોરણ 11-12 સામાન્ય પ્રવાહની વાર્ષિક ફી રૂ.24,000 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.25,000 કરવામાં આવી હતી. વર્ષ 2017/18 માં ધોરણ 11-12 સાયન્સ પ્રવાહની વાર્ષિક ફી રૂ.27,000 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.30,000 કરવામાં આવી હતી.
તપોવન વિદ્યાલયમાં વર્ષ 2017/18 માં ધોરણ 9 અને 10 ની વાર્ષિક ફી રૂ.9,295 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.15,000 કરી દેવામાં આવી ! FRC એ 61 ટકાનો ફી વધારો મંજૂર કરી આપ્યો !
કાલિન્દી સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિદ્યાલયમાં વર્ષ 2017/18 માં ધોરણ 9-10 તથા ધોરણ 11-12 સામાન્ય પ્રવાહની વાર્ષિક ફી રૂ.20,700 હતી. જે વર્ષ 2022/23 માં વધારીને ધોરણ 9 માં રૂ.21,000 અને ધોરણ 10 થી 12 માટે વાર્ષિક રૂ.22,000 કરવામાં આવી હતી. આ ઉપરાંત ધોરણ 11-12 માં વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક ફી રૂ.26,700 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.30,000 કરવામાં આવી હતી.
નંદવિદ્યા નિકેતનમાં વર્ષ 2017/18 માં ધોરણ 9 તથા ધોરણ 10 માં વાર્ષિક ફી રૂ.51,400 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.56,400 કરી નાખવામાં આવી હતી. ધોરણ 11-12 સામાન્ય પ્રવાહની વાર્ષિક ફી રૂ.57,600 હતી જે વધારીને રૂ.63,360 કરી દેવામાં આવી હતી. એ જ રીતે, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક ફી રૂ.63,600 હતી જે વધારીને રૂ.69,960 કરી દેવામાં આવી હતી.
પાર્વતીદેવી વિદ્યામંદિરમાં LKG તથા UKG ની વાર્ષિક ફી વર્ષ 2017/18 માં રૂ.10,500 હતી જે વર્ષ 2022/23 માં વધારીને રૂ.15,000 કરી દેવામાં આવી હતી. એ જ રીતે ધોરણ 1 થી 4 ની વાર્ષિક ફી રૂ.10,500 હતી, ધોરણ 5 થી 8 ની વાર્ષિક ફી રૂ.11,200 હતી. જે બધાં જ ધોરણની ફી વધારી વાર્ષિક રૂ.15,000 કરી દેવામાં આવી હતી.
સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં LKG-UKG ની વાર્ષિક ફી વર્ષ 2017/18 માં રૂ.21,000 હતી તે વર્ષ 2022/23 માં વધારીને રૂ.26,750 કરી નાંખવામાં આવી હતી. ગુજરાતી માધ્યમમાં તેઓએ LKG-UKG નાં વર્ગો બંધ કરી દેવા પડ્યા. (ઉંચી ફી નાં કારણે વિદ્યાર્થીઓ નહીં મળતાં હોય ?!) અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 થી 8 ની વાર્ષિક ફી વર્ષ 2017/18 માં રૂ.19,000 હતી જે વર્ષ 2022/23 માં વધારીને રૂ.27,800 કરી નાંખવામાં આવી હતી. ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 8 ની વાર્ષિક ફી વર્ષ 2017/18 માં રૂ.18,000 હતી જે વર્ષ 2022/23 માં વધારીને રૂ.27,800 કરી નાંખવામાં આવી હતી.
સેન્ટ ગ્રેગોરિયસ સ્કૂલમાં વર્ષ 2017/18 માં LKG ની વાર્ષિક ફી રૂ.11,700 હતી, UKG ની ફી રૂ.10,100 હતી. જે વર્ષ 2022/23 માં વધારીને રૂ.13,000 કરી દેવામાં આવી હતી.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં વર્ષ 2017/18 માં LKG તથા UKG ની વાર્ષિક ફી રૂ.21,000 હતી જે વર્ષ 2022/23 માં બંને માધ્યમમાં વધારીને વાર્ષિક રૂ.31,050 કરી દેવામાં આવી હતી. FRC એ 48 ટકાનો વધારો મંજૂર કર્યો. ધોરણ 1 થી 8 ની બંને માધ્યમમાં વાર્ષિક ફી રૂ.19,000 હતી જે વર્ષ2022/23 માં વધારીને રૂ.28,900 કરવામાં આવી હતી.
રાધિકા એજયુકેર સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં નર્સરીમાં વર્ષ 2021/22 માં રૂ.16,680 વાર્ષિક ફી હતી. અને KG વિભાગમાં રૂ.23,300 ફી હતી. વર્ષ 2022/23 માં આ ફી અનુક્રમે વધારીને રૂ.17,850 અને રૂ.24,900 કરવામાં આવી. જૂન-2023 થી શરૂ થનારા વર્ષ માટે આ ફી અનુક્રમે રૂ.19,100 તથા રૂ.26,700 જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2021/22 માં ધોરણ 1-2 માટે વાર્ષિક રૂ.41,520, ધોરણ 3 થી 5 માં રૂ.42,820, ધોરણ 6 થી 8 માં રૂ.44,120 અને ધોરણ 9 અને 10 માં રૂ.46,020 ની વાર્ષિક ફી મંજૂર થયેલી. વર્ષ 2022/23 માં આ ફી અનુક્રમે રૂ.44,400 – રૂ.45,820 – રૂ.47,200 તથા રૂ.49,240 જાહેર કરવામાં આવી હતી. જૂન-2023 થી શરૂ થતાં વર્ષ માટે આ વાર્ષિક ફી અનુક્રમે રૂ.47,500 – રૂ.49,000 – રૂ.50,500 તથા રૂ.52,700 લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળાઓનાં સંચાલકો જુદાં જુદાં ખર્ચ દેખાડી FRC સમક્ષ ફી વધારો મંજૂર કરાવતાં હોય છે. આ બધી કાર્યવાહી સરકારનાં નિયમો અનુસાર થતી હોય છે. પરંતુ તેની સામે વાસ્તવિકતા એ છે કે, આ તોતિંગ ફી વધારા વાલીઓએ તો ચૂકવવા જ પડે છે. ખર્ચનાં આંકડા ઘણી રીતે સેટ કરી શકાતાં હોય છે. દાખલા તરીકે, શિક્ષકોને ચૂકવવામાં આવતાં પગારો અને તે માટેનાં વાઉચર અને ચેક સહિતના ઉભા કરવામાં આવતાં રેકર્ડમાં ઘણું આઘુંપાછું કરી શકાતું હોય છે – આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી એક ઓપન સિક્રેટ હોય છે. આ નાણાંબોજ અંતે તો વાલીઓએ જ સહન કરવાનો રહેતો હોય છે.