Mysamachar.in-જામનગર:
સરકારી તંત્રોમાં આઉટસોર્સના કર્મચારીઓની સંખ્યા લાખોમાં છે, આ કર્મચારીઓ શું કળા કરી રહ્યા હોય છે તે બાબત પર કાયમી કર્મચારીઓ કે અધિકારીઓનું નિયમિત સુપરવિઝન હોતું નથી. જેથી લાંબા સમય બાદ કોઇ લોચો ઉભો થાય ત્યારે જેતે સરકારી વિભાગ એમ જાહેર કરે કે, અમારાં વિભાગમાં ખેલ પડી ગયો.
સરકારી નાણાંની ઉચાપતનો આવો વધુ એક મામલો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બહાર આવ્યો. કાલાવડની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેશ કમેજળીયાએ ધ્રુવરાજસિંહ જિવુભા જાડેજા (રહે. મછલીવડ, તા. કાલાવડ) નામના શખ્સ વિરુદ્ધ સરકારી નાણાં પૈકી રૂ. 9.54 લાખની ઉચાપત કરી જવા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે.
ધ્રુવરાજસિંહ જાડેજા નામનો આ શખ્સ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર છે અને આઠ વર્ષથી કાલાવડ મામલતદાર કચેરી હેઠળના સમાજસુરક્ષા વિભાગમાં નોકરી કરે છે. આ શખ્સને ધ્યાનમાં આવ્યું કે, તેના વિભાગમાં ચાલતી આર્થિક સહાય માટેની સરકારી યોજનાના કેટલાંક લાભાર્થીઓ એવા છે, જેમને સરકારના નિયમ અનુસાર હવે સહાય આપવાની રહેતી નથી. આ જાણકારીનો ઉપયોગ કરી આ શખ્સે આવા 16 બંધ બેંક ખાતાં પોતાની રીતે ચાલુ કરાવી લીધાં અને તે ખાતામાં સરકારી સહાયો જમા કરાવવા માટે પોતાના લાગતા વળગતા લોકોના બેંક એકાઉન્ટ નાંખી દીધાં. આ બોગસ ખાતામાંથી તે આ સહાયના નાણાં ઉપાડી લેતો. આ રીતે નિયમ વિરુદ્ધ આ શખ્સે 16 લાભાર્થીઓની સહાયની રકમ રૂ. 9,54,500 પોતાના લાભ માટે ઉપાડી લીધી.
આ રીતે ધ્રુવરાજસિંહ જાડેજા નામના આ શખ્સે સરકારી કચેરીમાં પોતાના અંગત ફાયદા માટે ખોટું રેકર્ડ ઉભું કર્યું અને આ રેકર્ડનો દુરુપયોગ કરી સરકાર સાથે રૂ. 9,54,500 ની છેતરપિંડી કરી અને આ નાણાં સરકારમાંથી પોતે મેળવી લીધાં. આ આરોપીએ ફરિયાદી નાયબ મામલતદાર અને મામલતદાર પાસેથી ID અને પાસવર્ડ પણ મેળવી લીધાં હતાં. અને આ અધિકારીઓની જાણ બહાર આ બધી જાણકારીનો દુરુપયોગ કરી, 15 જૂલાઈ-2025 પહેલાંના સમય દરમ્યાન આ ઉચાપત કરી છે એવી ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ 17 જૂલાઈ-2025 ના રોજ દાખલ કરાવવામાં આવી છે.