Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન મોદીએ ગઈકાલે સોમવારે ભૂજ ખાતેથી સમગ્ર રાજ્યના અબજો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. જેમાં જામનગર જિલ્લાના કુલ રૂ. 1,087 કરોડના 3 પ્રોજેક્ટનો પણ સમાવેશ થયો છે. જેમાં એક ઉર્જા પ્રોજેક્ટ અને બે વીજ પ્રોજેક્ટ છે. વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે રાજ્યની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ.887 કરોડના ખર્ચે 210 મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ જામનગર જિલ્લાને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનનો ઉપયોગ કર્યા વિના સરકારી ખરાબાની જમીન પર વિકસાવવામાં આવ્યો છે.આનાથી કિંમતી જમીનની બચત થશે.આ ઉપરાંત, વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

આ સોલાર પ્રોજેક્ટના લોકાર્પણથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે, અને તેમને તેમજ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળશે. વધુમાં, પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.આ પ્રોજેક્ટ્સ ગુજરાતના ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાંખશે.
-જામનગરને રૂ. 200 કરોડના ખર્ચે 2 નવી વીજસુવિધાઓ..
આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે જામનગર સહિત અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં કુલ રૂ. 986 કરોડના વીજ પ્રોજેક્ટ્સનું કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના રૂ. 200 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં ઊર્જા ક્ષેત્રે બે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, જે ભવિષ્યના વિકાસ માટે પાયાનું કામ કરશે.જેમાં રૂ.75 કરોડના ખર્ચે 132/66 KV કનસુમરા સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સબસ્ટેશન જામનગરના GIDC વિસ્તારમાં ઉદ્યોગોની વધતી વીજ માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને સતત અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, જામનગર શહેરી વિસ્તારમાં પણ વીજ પુરવઠો સુધરશે.

તેમજ રૂ.125 કરોડના ખર્ચે 220/66 KV બબરઝર સબસ્ટેશન જે જામનગરના લાલપુર તાલુકા ખાતે લોકાર્પિત કરવામાં આવ્યું છે. આ સબસ્ટેશન જામનગર અને આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઊર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આનાથી પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકશે અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં પણ મદદરૂપ થશે.
આ પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનું પ્રતિબિંબ છે, જે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન નેટવર્કના સશક્તિકરણથી રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે, અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્રને વિકાસની નવી રાહ મળશે.
